- Opinion
- શું ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી સમાજનું ઉભરતું નેતૃત્વ સાબિત થશે?
શું ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી સમાજનું ઉભરતું નેતૃત્વ સાબિત થશે?
ગુજરાતના આદિવાસી સમાજની વાત આવે ત્યારે વસાવા, ભીલ, ગરાસિયા, રાઠવા, તડવી જેવી જાતિઓનું વૈવિધ્યસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ જીવન ધ્યાને આવે છે. આ સમાજ મુખ્યત્વે મહીસાગર, પંચમહાલ, ગોધરા, વડોદરા, ભરૂચ, સૂરત, તાપી જેવા જિલ્લાઓમાં વસે છે, જ્યાં તેઓ પોતાની પરંપરાઓ, રીત-રિવાજો અને પ્રકૃતિ સાથેના અનોખા સંબંધોને જાળવી રાખે છે. આદિવાસી સમાજની આર્થિક વ્યવસ્થા ખેતી, પશુપાલન પર આધારિત છે આ સમાજની સંસ્કૃતિ અને અસ્મિતા જાળવવા છતાં તેમની સમસ્યાઓ દાયકાઓથી અકબંધ છે. જમીનના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, અને રોજગારની અછત જેવા પ્રશ્નો આજે પણ તેમના વિકાસમાં અવરોધ ઊભા કરે છે.

આદિવાસી સમાજના મુખ્ય પ્રશ્નોમાં જમીનના હક્કનો મુદ્દો કેન્દ્રસ્થાને છે. ઘણી વખત આદિવાસીઓની જમીનો ગેરકાયદેસર ટ્રાન્સફર થઈ જાય છે જેનો ચૈતર વસાવાએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓનો અભાવ, શિક્ષણની મર્યાદિત સુવિધાઓ અને આધુનિકીકરણના નામે સંસ્કૃતિનું ધોવાણ એ પણ મોટી સમસ્યાઓ છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે સરકારે અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજનાઓને વધુ અસરકારક બનાવવી જોઈએ, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, અને જમીનના હક્કોનું રક્ષણ કરવું જોઈએ.

આવા સંજોગોમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના પ્રશ્નોને આક્રમક રીતે ઉઠાવી રહ્યા છે. તેમની સક્રિયતા ખાસ કરીને જમીનના ગેરકાયદેસર ટ્રાન્સફર સામેની લડત પી આદિવાસી સમાજમાં તેમની લોકપ્રિયતા વધારી રહી છે. આ બધા વચ્ચે તેમની આક્રમક શૈલીને કારણે તેઓ વિવાદોમાં પણ ફસાયા છે અને પ્રશાસને તેમના પર ખોટા કેસોનો આરોપ લગાવ્યો હોવાની રજૂઆતો તેમના સમર્થકો દ્વારા થઈ રહી છે. આ વિષયમાં સંયમથી આગળ વધવું તેમના નેતૃત્વ માટે જરૂરી છે.

ચૈતર વસાવાનું નેતૃત્વ આદિવાસી સમાજની આશાનું કિરણ બની શકે છે પરંતુ તેના માટે તેમણે સંગઠિત અને રચનાત્મક અભિગમ અપનાવવો પડશે. તેમની આક્રમકતા સાથે સાથે આદિવાસી સમાજના લોકોને એક કરવાની ક્ષમતા, સરકારી નીતિઓનો સકારાત્મક ઉપયોગ અને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની કુશળતા તેમને ઉભરતા નેતા તરીકે સ્થાપિત કરી શકે છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે ચૈતર વસાવાને તેમની લડતમાં સમાજના વિશ્વાસ અને સહકારની જરૂર પડશે. જો તેઓ આ બધું સંતુલિત રીતે કરી શકે તો નિઃશંકપણે તેઓ ગુજરાતના આદિવાસી સમાજનું મજબૂત નેતૃત્વ બની શકે છે.

