- Politics
- હર્ષ, ગોપાલ કે જિગ્નેશ? ગુજરાતની રાજનીતિમાં યુવા મહારથી કોણ?
હર્ષ, ગોપાલ કે જિગ્નેશ? ગુજરાતની રાજનીતિમાં યુવા મહારથી કોણ?

ગુજરાતની રાજનીતિમાં યુવા નેતૃત્વનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસમાંથી ઉભરતા યુવા ધારાસભ્યો સત્તાના કેન્દ્રમાં ચર્ચાસ્પદ બન્યા છે. આમાં હર્ષ સંઘવી, ગોપાલ ઈટાલિયા અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ ગુજરાતની રાજનીતિમાં પ્રથમ હરોળમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી રહ્યા છે. આ યુવા નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત સચોટ રીતે રજૂ કરી પક્ષની નીતિઓને પકડીને રાજકારણમાં આગળ વધી રહ્યા છે.
હર્ષ સંઘવી: ભાજપનો યુવા ચહેરો:
ભાજપના હર્ષ સંઘવી ગુજરાત સરકારમાં ગૃહરાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. જૈન સમાજમાંથી આવતા આ યુવા ધારાસભ્ય શીર્ષ નેતૃત્વની નજીક ગણાય છે. સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા હર્ષ પોતાની આગવી કાર્યશૈલીથી ઓળખાય છે. ગૃહમંત્રીની જવાબદારી નિભાવવી એ સરળ નથી છતાં તેઓ ટીકાઓ અને વિવાદો વચ્ચે પણ બેખૂબીથી આ ભૂમિકા નિભાવી રહ્યા છે. ગુજરાત ભાજપના કેટલાક શીર્ષ નેતાઓને પણ હર્ષ કણાની જેમ ખખૂંચી રહ્યા છે, હર્ષ પ્રત્યેની ઈર્ષ્યા અંગે સમયાંતરે જાહેરમાં ચર્ચાઓ પણ થતી રહે છે.

ગોપાલ ઈટાલિયા: આપનો બિન્દાસ નેતા:
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાટીદાર સમાજના આ યુવા નેતા પોતાની બિન્દાસ અને સચોટ વાણીથી ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવે છે. ભાજપના હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પર તેઓ વારંવાર પ્રહારો કરે છે. ખાસ કરીને સી.આર. પાટીલને તો બુટલેગર કહિનેજ સંબોધે છે. ગોપાલની લડાયક શૈલી અને ભાજપ કોંગ્રેસને લલકારવાની હિંમતથી તેઓ ગુજરાતમાં એક માત્ર નેતા તરીકે ઉભરી રહ્યા છે.
જિગ્નેશ મેવાણી: કોંગ્રેસનો સામાજિક ન્યાયનો અવાજ:
કોંગ્રેસના જિગ્નેશ મેવાણી વડગામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દલિત સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાય છે. સામાજિક ન્યાય અને હક્કોની લડતથી રાજકારણમાં પ્રવેશેલા જિગ્નેશ પોતાની આક્રમક અને તર્કસભર વાણીથી રાજ્યની રાજનીતિમાં ચર્ચામાં રહે છે. તેઓ ખાસ કરીને દલિત અને નબળા વર્ગોના મુદ્દાઓને ઉજાગર કરે છે અને ભાજપ સરકારની નીતિઓની ટીકા કરવામાં આગળ રહે છે. સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા અને જન આંદોલનોમાં ભાગીદારીથી તેઓ યુવાઓમાં લોકપ્રિય બન્યા છે.
ગુજરાતની રાજનીતિમાં યુવા નેતૃત્વની ભૂમિકા:
આ ત્રણેય નેતાઓ ઉપરાંત ગુજરાતમાં વિવિધ સમાજોમાંથી ઉભરતા યુવા નેતાઓ રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હર્ષ સંઘવીની વ્યવસ્થાપન કુશળતા, ગોપાલ ઈટાલિયાની બિન્દાસ શૈલી અને જિગ્નેશ મેવાણીની સામાજિક ન્યાયની લડત ગુજરાતના રાજકારણને નવો આયામ આપે છે. સોશિયલ મીડિયાના યુગમાં આ નેતાઓ પોતાના પક્ષની નીતિઓ અને વિચારધારાઓને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.
આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિમાં આ યુવા મહારથીઓમાંથી કોણ આગળ નીકળશે એ ગુજરાતના મતદારો અને સમય નક્કી કરશે. પરંતુ એ નિશ્ચિત છે કે ગુજરાતનું રાજકારણ યુવા શક્તિથી નવી દિશામાં આગળ વધી રહ્યું છે.