- Politics
- જર્મનીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર, ED-CBIને હાથો બનાવવાનો આરોપ
જર્મનીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર, ED-CBIને હાથો બનાવવાનો આરોપ
લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જર્મનીના બર્લિનમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)નો ઉપયોગ કરી રહી છે. ભાજપે ગાંધીની ટિપ્પણીઓની નિંદા કરતા તેમને ભારત વિરોધી અને તેમના વ્યવહારને બાલિશ ગણાવ્યું.
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે બર્લિનની પ્રતિષ્ઠિત હર્ટી સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમારા સંસ્થાકીય માળખા પર કબજો કરવામાં આવી રહ્યો છે. તેના પર સંપૂર્ણ હુમલો થઈ રહ્યો છે. આપણી ગુપ્તચર એજન્સીઓ ED અને CBIને હથિયાર બનાવી દેવામાં આવી છે. ED અને CBI પાસે ભાજપ સામે કોઈ કેસ નથી અને મોટાભાગના રાજકીય કેસ એ લોકો સામે છે, જે તેમનો વિરોધ કરે છે.’
રાહુલ ગાંધી ગયા અઠવાડિયે જર્મનીની 5 દિવસની યાત્રાએ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે જો કોઈ ઉદ્યોગપતિ કોંગ્રેસને સમર્થન કરે છે, તો તેને ધમકીઓ મળે છે. રાહુલે આરોપ લગાવ્યો કે ભારતની સંસ્થાઓ હવે યોગ્ય રીતે કામ કરી રહી નથી.
ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ સંસ્થાકીય માળખું બનાવ્યું હતું, અને પાર્ટીએ તેને ક્યારેય પોતાનું નહીં, પણ રાષ્ટ્રનું માન્યું હતું. રાહુલે કહ્યું કે, ‘ભાજપ તેને એ રીતે જોતી નથી. તેઓ સંસ્થાકીય માળખાને પોતાનું માને છે. તેઓ તેનો ઉપયોગ પોતાની રાજકીય તાકત વધારવા માટે એક હથિયાર તરીકે કરે છે.’ રાહુલે એમ પણ કહ્યું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને તેને રોકવાની સખત જરૂર છે. અમે એક એવું વિપક્ષી તંત્ર બનાવીશું, જે સફળ થશે. અમે ભાજપ સામે લડી રહ્યા નથી, પરંતુ તેમના દ્વારા કબજે કરાયેલા ભારતીય સંસ્થાકીય માળખા માટે લડી રહ્યા છીએ.’
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇકોનોમિક મોડેલ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને RSSએ માત્ર કોઈ પણ ફેરફાર કર્યા વિના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જૂની નીતિઓને આગળ ધપાવી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકારનું ઇકોનોમિક મોડલ હવે પૂરી રીતે ડેડ એન્ડ પર પહોંચી ચૂક્યું છે અને હવે કોઈ પરિણામ આપી નહીં શકે.
રાહુલે દાવો કર્યો કે ભારતમાં ઘણા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે, પરંતુ દેશની એક ખૂબ મોટી વસ્તી તેમની વિચારધારા અને વિઝનથી પૂરી રીતે અસહમત છે. તેમનું કહેવું છે કે આ વિઝન ખોટું છે અને દેશમાં ઊંડા સામાજિક તણાવ પેદા કરવાનું ગંભીર જોખમ બની શકે છે.
ભાજપની પ્રતિક્રિયા
મંગળવાર 23 ડિસેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા અને સવાલ ઉઠાવ્યો કે શું ભારતને ખરેખર પ્રેમ કરનાર કોઈ પણ વ્યક્તિ દેશની નિષ્ફળતા ઇચ્છશે? X પર એક પોસ્ટમાં પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી, પોતાના વૈચારિક સંરક્ષક, જ્યોર્જ સોરોસ સાથે મળીને ભારતીય લોકતંત્રમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવા માંગે છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારત વિરોધી તાકતોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભંડારીએ વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભારતીય લોકશાહીને નફરત કરે છે. કોંગ્રેસ ભારતની પ્રગતિને નફરત કરે છે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ અરાજકતા ઇચ્છે છે.

