- Politics
- લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છ...
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ
મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ મનરેગાની જગ્યા લેશે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ લોકસભામાં આ બિલનો વિરોધ કર્યો. કોંગ્રેસ સિવાય અન્ય વિપક્ષી દળોએ પણ આ બિલનો વિરોધ કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ લોકસભામાં કહ્યું કે, ‘નામ બદલવાના આ જુસ્સાને હું સમજી શકતી નથી. તેમાં ખૂબ ખર્ચ થાય છે. એટલે મને સમજાતું નથી કે સરકાર કારણ વિના આવું કેમ કરી રહી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાયદા (મનરેગા)એ ગરીબ લોકોને 100 દિવસની રોજગારીનો અધિકાર આપ્યો હતો. આ બિલ તે અધિકારને નબળો કરશે. સરકારે દિવસોની સંખ્યામાં વધારો કર્યો છે પરંતુ મજૂરીમાં વધારો કર્યો નથી. આ અગાઉ, ગ્રામ પંચાયતો નક્કી કરતી હતી કે મનરેગાનું કામ ક્યાં અને કયા પ્રકારનું હશે, પરંતુ આ બિલમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે ક્યાં અને ક્યારે ફંડ આપવાનું છે. એટલે, ગ્રામ પંચાયતોના અધિકારો છીનવાઈ રહ્યા છે. અમને આ બિલ દરેક રીતે ખોટું લાગે છે.
પ્રિયંકાએ કહ્યું કે, મનરેગામાં 90% ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી આવતી હતી, પરંતુ આ બિલમાં મોટાભાગના રાજ્યોમાં હવે 60% જ અનુદાન મળશે. તેનાથી રાજ્યના અર્થતંત્ર પર મોટો ભાર પડશે. આનાથી તે રાજ્યો પર વધુ અસર પડશે જેમની અર્થવ્યવસ્થા પહેલાથી જ કેન્દ્રની GSTની બાકીની રકમની રાહ જોઈ રહ્યા છે. આ બિલ દ્વારા કેન્દ્ર સરકારનું નિયંત્રણ વધારવામાં આવી રહ્યું છે અને જવાબદારી ઘટાડવામાં આવી રહી છે. આ બિલમાં કાર્યકારી દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ તેમાં મજૂરી વધારવાની કોઈ વાત નથી.
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે આ બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂરી આપી. વિપક્ષના આરોપોને ફગાવી દેતા ચૌહાણે કહ્યું કે મહાત્મા ગાંધી આપણા દિલોમાં વસે છે. મોદી સરકાર મહાત્મા ગાંધી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો પર આધારિત ઘણી યોજનાઓ ચલાવી રહી છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું કોંગ્રેસ સરકારે પણ જવાહર રોજગાર યોજનાનું નામ પણ બદલ્યું હતું તો શું આ પંડિત જવાહરલાલ નેહરુનું અપમાન હતું?
શિવરાજ સિંહે કહ્યું કે, સરકારે મનરેગા પર 8.53 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું કે, આ બિલ 125 દિવસની રોજગારીની ગેરન્ટી આપે છે. આ માત્ર ગેરન્ટી નથી, પરંતુ 1.51 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બિલથી ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે. મહાત્મા ગાંધીના છેલ્લા શબ્દો પણ રામ જી જ હતા.

