- Gujarat
- AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્ય...
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ તુરંત જ યુ-ટર્ન લેવો પડ્યો છે, જેના કારણે સત્તાધારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનનો ભારે અભાવ સ્પષ્ટપણે દેખાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 મહત્ત્વના બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ લગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલાક બ્રિજ પર બોર્ડ લગાવી પણ દેવાયા હતા, પરંતુ આ બોર્ડ એવી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા કે તે સહેલાઈથી કોઈના ધ્યાન પર આવે નહીં.
આ બોર્ડ લાગ્યા બાદ ભારે વિવાદ થતા AMCને આ નિર્ણયથી યુ-ટર્ન લેવું પડ્યું અને સત્તાવાર રીતે જાહેરાત કરવી પડી કે, અત્યારે આ નિર્ણયનો અમલ કરવામાં નહીં આવે. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે, કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા વિભાગો વચ્ચે પૂરતું સંકલન કરવામાં આવ્યું નહોતું. બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડના મામલે AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલે કહ્યું હતું કે, ‘બ્રિજ પર બોર્ડ લગાવવા અંગે કમિટીને કોઈ જાણ જ નથી, કદાચ કમિશનરે લગાવ્યા હશે.’

સંકલનના અભાવનો બીજો મોટો કિસ્સો ગાંધી બ્રિજ પાસે જોવા મળ્યો છે. બ્રિજની બાજુમાં ભારેખમ લોખંડનો સામાન મૂકવામાં આવ્યો છે. આ અંગે જયેશ પટેલે કહ્યું કેબ્રિજ પાસે પડેલો આ લોખંડનો સામાન બેરિયર માટેનો નહીં, પરંતુ લાઇટિંગના સ્ટ્રક્ચર માટેનો છે.
AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલે શહેરના 16 બ્રિજ પર પ્રતિબંધ મુકવાની સાથે ત્યાં હાઈટ બેરિયર્સ મૂકવાની પણ મોટે ઉપાડે જાહેરાત કરાઈ હતી. જેનું પણ ફારસ થયું છે અને હાલ ટેન્ડર મંગાવ્યા હોવાથી નિર્ણય મોકૂફ રાખવાનું જણાવ્યું હતું. જો નિર્ણ મોકૂફ રખાયો હોય તો પછી ગાંધી બ્રિજ પાસે હાઈટ બેરિયર્સનો સામાન કેવી રીતે પહોંચી ગયો? તે પણ એક મોટો સવાલ છે.

AMCની આ અવ્યવસ્થાના કારણે સામાન્ય લોકો અને અનેક ભારે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજ પર લાગેલા બોર્ડ વાંચીને ડરના માર્યા અનેક ભારે વાહનો બ્રિજના પ્રવેશદ્વાર પાસેથી જ પાછા ફરવા મજબૂર થયા છે. વાહનચાલકોને ડર છે કે જો તેઓ બોર્ડની અવગણના કરીને બ્રિજ પર જશે તો બ્રિજ પર કે સામેની તરફ ઊભેલી પોલીસ તેમને મોટો દંડ ફટકારશે. ભારે વાહનો પાછા ફરતા હોવાને કારણે આસપાસના વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ અચાનક વધી ગયું છે, જેને લીધે અન્ય વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.

