- Politics
- ‘કેનેડાને અમેરિકાથી કોણ બચાવશે?’, ટ્રૂડોએ એવું શું કહ્યું કે રશિયાએ ઉડાવી દીધી મજાક?
‘કેનેડાને અમેરિકાથી કોણ બચાવશે?’, ટ્રૂડોએ એવું શું કહ્યું કે રશિયાએ ઉડાવી દીધી મજાક?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ તાજેતરમાં જ કહ્યું હતું કે, રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા માટે તેઓ પોતાની સેના મોકલવા માટે તૈયાર છે. તેમના આ નિવેદનની રશિયાએ ખૂબ મજાક ઉડાવી છે. કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની ટ્રમ્પની ધમકીના સંદર્ભમાં રશિયાએ કહ્યું છે કે, 'તો કેનેડાને અમેરિકાના સંભવિત કબજામાંથી કોણ બચાવશે?'.
સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવે કેનેડાની મજાક ઉડાવતા લખ્યું કે, 'જો અમેરિકા ઉત્તર તરફ વધે છે તો કેનેડાની જમીનની રક્ષા કોણ કરશે? સંભવતઃ યુક્રેનના લોકો, જેઓ આર્મી ભરતીથી બચવા માટે કેનેડા ભાગી રહ્યા છે. જખારોવે યુક્રેનમાં ફરજિયાત લશ્કરી સેવાનો ઉલ્લેખ કરીને ટ્રૂડો પર કટાક્ષ કર્યો.
વરિષ્ઠ રશિયન રાજદ્વારીની આ ટિપ્પણી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના રવિવારના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે યુક્રેનને મદદ કરવાની વાત કરી હતી. રવિવારે બ્રિટનમાં યુરોપિયન દેશોની ઈમરજન્સી બેઠક થઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો જરૂરિયાત પડી તો યુરોપિયન દેશો સેનાના માધ્યમથી પણ યુક્રેનને મદદ કરવા તૈયાર છે. આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ કહ્યું કે, તેઓ યુક્રેનને સૈન્ય મદદ કરવા ઇચ્છુક છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે અને અમેરિકાએ યુક્રેનની મદદથી પીછેહઠ કરી છે, જેના કારણે યુરોપિયન દેશોની મુશ્કેલીઓ વધી છે.
કેનેડાને ટ્રમ્પની ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ ઘણી વખત કેનેડાને અમેરિકામાં સામેલ કરવાની વાત કહી ચૂક્યા છે. તેમણે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને ટ્રૂડોને 'ગવર્નર' પણ કહી ચૂક્યા છે. ટ્રમ્પ કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાના છે. ટ્રમ્પની ધમકીને લઈને ટ્રૂડો ખૂબ જ ચિંતિત છે. આ ચિંતાને લઈને તેઓ સોમવારે બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીયને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાતમાં ટ્રૂડોએ ટ્રમ્પની ધમકીને તેમની સમક્ષ રાખી છે.
કેનેડાને અમેરિકન રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકી પર બ્રિટિશ રાજાએ અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી. તેને લઈને તેમની ખૂબ નિંદા પણ થઈ છે. રવિવારે લંડનમાં, ટ્રૂડોએ કહ્યું હતું કે, તેઓ રાજા સાથે મુલાકાત દરમિયાન કેનેડિયનોના હિતોની વાત કરશે. કેનેડાના લોકો માટે આ સમયે પોતાની સંપ્રભુતા અને એક દેશના રૂપમાં સ્વતંત્ર રહેવા સિવાય કોઈ વાત મહત્ત્વપૂર્ણ નથી.