- National
- ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું
ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો ખોલતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લીધો છે. તેમનો આરોપ છે કે, રાજ્ય સરકારે વિભિન્ન માળખાગત પરિયોજનાઓ માટે કરવામાં આવેલા કામો માટે 89,000 કરોડ રૂપિયાના બિલ ચૂકવ્યા નથી. મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન અને સ્ટેટ એન્જિનિયર્સ એસોસિએશનને શુક્રવારે થાણેમાં એક બેઠક કરી હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે મુંબઈ, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર સ્થિત બોમ્બે હાઈકોર્ટ બેન્ચમાં અરજીઓ દાખલ કરવામાં આવે.

કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના રાજ્ય પ્રમુખ મિલિંદ ભોંસલેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા માર્ચમાં માત્ર 4,000 કરોડ રૂપિયાની રકમ જ રીલિઝમાં આવી છે, જે કુલ બાકી રકમની માત્ર 5 ટકા છે. આટલી ઓછી રકમમાં કામ કરવાનું શક્ય નથી અને જો ચૂકવણી ન થઇ, તો રાજ્યભરના કોન્ટ્રાક્ટરો કામ બંધ કરી દેશે, જેના કારણે વિકાસ કાર્ય ઠપ્પ થઈ જશે. ભોંસલેએ વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષથી સરકાર પાસેથી બાકી ચૂકવણીની માગ કરવામાં આવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તેમણે રાજ્યના ટોચના નેતાઓને પત્ર લખીને ચીમકી આપી હતી કે જો જલદી ચૂકવણી ન થઈ તો, ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સને રોકવામાં આવશે. જુલાઈ 2024થી અત્યાર સુધી વિવિધ વિભાગો તરફથી બાકી રકમ મળી નથી.
કોન્ટ્રાક્ટરોના જણાવ્યા અનુસાર, 89,000 કરોડ રૂપિયાની આ બાકી રકમમાંથી 46,000 કરોડ રૂપિયા સાર્વજનિક નિર્માણ વિભાગ (PWD)માંથી, 18000 કરોડ રૂપિયા પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ (જળ જીવન મિશન)માંથી, 8600 કરોડ રૂપિયા ગ્રામીણ વિકાસ વિભાગમાંથી, 19700 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગમાંથી અને 1700 કરોડ રૂપિયા DPDC, ધારાસભ્ય નિધિ અને સાંસદ નિધિ હેઠળ કરવામાં આવેલા કામો સંબંધિત છે.

મિલિંદ ભોંસલેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી સહિત કોઈ પણ મંત્રી આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, બધા વિભાગોમાંથી માત્ર 4,000 કરોડ રૂપિયા જ રીલિઝ કરવામાં આવ્યા છે. સરકાર પાસે પૈસા નથી અને અમે ઘણી વખત મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે મુલાકાત કરી છે, પરંતુ દર વખતે માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.
Related Posts
Top News
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Opinion
