- Sports
- પાકિસ્તાનનું નવું નાટક, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો કરશે બહિષ્કાર, પરંતુ...
પાકિસ્તાનનું નવું નાટક, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો કરશે બહિષ્કાર, પરંતુ...
બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત જવાનો ઇનકાર કર્યો હતો અને માંગ કરી હતી કે તેની મેચો શ્રીલંકા ખસેડવામાં આવે. ICCએ બાંગ્લાદેશની માંગણી સ્વીકારી ન હતી અને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. બાંગ્લાદેશી બોર્ડ તરફથી કોઈ જવાબ ન મળતા ICCએ કડક કાર્યવાહી કરી અને સ્કોટલેન્ડને રિપ્લેસમેન્ટ ટીમ તરીકે T20 વર્લ્ડ કપ માટે પસંદ કર્યું.
બાંગ્લાદેશ બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખૂબ જ નારાજ છે. PCBએ અગાઉ લવારો કર્યો હતો કે, તે આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે. એવામાં, ICCએ ચેતવણી આપી હતી કે જો તે આવું પગલું ભરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ICCના પગલાંથી ડરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ ચૂપચાપ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી.
જો કે, પાકિસ્તાનનું નાટક હજુ બંધ થયું નથી. જિઓ સુપરના અહેવાલ મુજબ, પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રુપ મેચનો બહિષ્કાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન તેના દ્વારા ICCના નિર્ણયનો વિરોધ કરવા માંગે છે, જેમાં બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરીને સ્કોટલેન્ડની એન્ટ્રી કરાવી દીધી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિરોધના અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, અને ટીમ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકે છે. જો પાકિસ્તાન ભારત સામે મેચ નહીં રમે, તો તેને ફક્ત બે પોઈન્ટનું નુકસાન થશે, પરંતુ ICCને નાણાકીય નુકસાન થઈ શકે છે. PCBના અધ્યક્ષ મોહસીન નકવી ટીમ સાથે મુલાકાત કરીને રણનીતિના અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરશે. નકવીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મોહસીન નકવીએ કહ્યું હતું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. નકવીએ ICCની ટીકા કરતા કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે છે અને આને 'બેવડું ધોરણ' માનવું જોઈએ. મેં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બોર્ડ મીટિંગમાં પણ આ જ વાત કહી હતી.’ નકવીએ ICCના નિર્ણયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રભાવ પર સવાલ ઉઠાવ્યા હતા. મોહસીન નકવીએ કહ્યું હતું, ‘પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશ પણ ICCનો સભ્ય છે. એક દેશ બીજા દેશને આદેશ નહીં આપી શકે. જો આવું કરવામાં આવ્યું તો પાકિસ્તાન પોતાનું વલણ સ્પષ્ટ કરશે.’
આ દરમિયાન, મોહસીન નકવી એક પ્રેસ કોન્ફરન્સમાં T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનની ભાગીદારી અંગે મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સોમવારે ઇસ્લામાબાદમાં નકવી અને વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠકમાં નકવીએ ICC પર 'બેવડું ધોરણ' અપનાવવાનો આરોપ લગાવ્યો અને પાકિસ્તાની વડાપ્રધાનને સમગ્ર બાબતની માહિતી આપી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહસીન નકવીએ બેઠકમાં જણાવ્યું હતું કે ICCએ ભારતને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરવા છતા વૈકલ્પિક સ્થળ પૂરું પાડ્યું હતું, જ્યારે બાંગ્લાદેશને ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતાઓને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું, અને તેના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નિર્ધારિત શેડ્યૂલ મુજબ, પાકિસ્તાન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પોતાનું અભિયાન 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ્સ સામે શરૂ કરશે. ત્યારબાદ ટીમ 10 ફેબ્રુઆરીએ અમેરિકા, 15 ફેબ્રુઆરીએ ભારત અને 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે. સુપર 8 સ્ટેજ મેચ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન રમાશે, સેમીફાઇનલ 3 અને 5 માર્ચે રમાશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદ અથવા કોલંબોમાં રમાશે.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરશે. ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલો બાબર આઝમ પણ ટીમનો ભાગ છે. હરિસ રઉફ અને મોહમ્મદ રિઝવાન જેવા અનુભવી ખેલાડીઓ ટીમમાંથી ગાયબ છે. શાદાબ ખાન, ખ્વાજા નફાય અને ઉસ્માન તારિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ટીમ તેની તમામ વર્લ્ડ કપ ગ્રુપ મેચ કોલંબોમાં રમશે.
T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ:
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા નફાય (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર), અને ઉસ્માન તારિક.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ગ્રુપ મેચો
7 ફેબ્રુઆરી Vs નેધરલેન્ડ, SSC, કોલંબો
10 ફેબ્રુઆરી Vs USA, SSC, કોલંબો
15 ફેબ્રુઆરી Vs ભારત, પ્રેમદાસા, કોલંબો
18 ફેબ્રુઆરી Vs નામિબિયા, SSC, કોલંબો.

