- Sports
- ચેતેશ્વર પૂજારાના મતે આ પૂર્વ ક્રિકેટર બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કોચ
ચેતેશ્વર પૂજારાના મતે આ પૂર્વ ક્રિકેટર બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કોચ
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને તાજેતરમાં પૂછવામાં આવ્યું હતું કે, તેમના મતે ટીમ ઈન્ડિયાનો કોચ કયો ખેલાડી હોવો જોઈએ. આના જવાબમાં પૂજારાએ જરા પણ સમય ગુમાવ્યા વગર તરત જ ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું નામ લીધું. અશ્વિને તાજેતરમાં જ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું હતું. પૂજારાને લાગે છે કે ટીમ કોચ પદ માટે અશ્વિન યોગ્ય પસંદગી છે.
પૂજારા ESPN ક્રિકઇન્ફોના ડ્રેસિંગ રૂમ ઇનસાઇડર વિડીયોનો ભાગ હતા. અહીં તેમને પૂછવામાં આવ્યું હતું કે, કયો ખેલાડી ભારતનો આગામી કોચ બનવાની શક્યતા છે. પૂજારાએ સમય લીધા વિના અને કોઈપણ ખચકાટ વિના અશ્વિનનું નામ લીધું. ટીમના વર્તમાન કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ 2027 ODI વર્લ્ડ કપ સુધીનો છે.
ભારતના ભૂતપૂર્વ સ્પિનર અશ્વિન હંમેશા પોતાના મનની વાત ખુલીને કહેવા માટે જાણીતા છે. પછી ભલે તે મેદાન પર હોય કે યુટ્યુબ ચેનલ પર. રમત પ્રત્યેની તેમની સમજની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. જે રીતે તેઓ નિયમો અને ટેકનિકલ બાબતો વિશે વાત કરે છે, તે ખૂબ જ ઓછા ખેલાડીઓ કરી શકે છે. એક સમય હતો જ્યારે રાહુલ દ્રવિડે કહ્યું હતું કે અશ્વિન તેમને ખૂબ પડકાર આપે છે. ટીમના કોચ તરીકે, દ્રવિડે અશ્વિનની પ્રશંસા કરતા કહ્યું, 'તેની સારી વાત એ છે કે, તે તમને પડકાર આપે છે. કોચ તરીકે, તમે આ જ ઇચ્છો છો. તે અન્ય લોકોથી અલગ છે. તે હંમેશા ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે.'
અશ્વિન દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે પછી ભારતનો બીજો સૌથી સફળ બોલર છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 765 વિકેટ લીધી. ભારત માટે 106 ટેસ્ટ મેચ રમનાર અશ્વિને આ ફોર્મેટમાં 537 વિકેટ લીધી છે. તે ટેસ્ટમાં 25 વખત 4 વિકેટ અને 37 વખત 5 વિકેટ લઇ ચુક્યો છે. આ ફોર્મેટમાં અશ્વિને 6 સદી પણ મારી છે. તેના બેટમાંથી 3503 રન આવ્યા છે. અશ્વિને ODI ફોર્મેટમાં 116 મેચ રમી છે. આમાં તેના નામે 156 વિકેટ છે. આ ઉપરાંત, તેણે 65 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 72 વિકેટ લીધી છે.
પૂજારાને સત્રમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે, એ કયો ખેલાડી છે જે તેના નામે બધા મોટા રેકોર્ડ બનાવી શકે છે. પૂજારાએ અહીં વિરાટ કોહલીનું નામ લીધું. આ ઉપરાંત, જ્યારે પૂજારાને પૂછવામાં આવ્યું કે, કયો ખેલાડી 24 કલાક જીમમાં તાલીમ લઈ શકે છે, તો તેણે આના જવાબમાં પણ કોહલીનું નામ લીધું હતું.

