- Sports
- રોહિત શર્માને કારણે IPL કોમેન્ટ્રીમાંથી બહાર થયો હતો ઈરફાન પઠાણ? પૂર્વ ક્રિકેટરે કરી દીધો ખુલાસો
રોહિત શર્માને કારણે IPL કોમેન્ટ્રીમાંથી બહાર થયો હતો ઈરફાન પઠાણ? પૂર્વ ક્રિકેટરે કરી દીધો ખુલાસો
ઇરફાન પઠાણ છેલ્લા કેટલાક વર્ષોથી કોમેન્ટ્રીમાં એક મોટું નામ બની ચૂક્યું છે. આ જ કારણ છે કે જ્યારે તેને IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યો ત્યારે બધાને ખૂબ જ હેરાની થઈ હતી. બાદમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક ખેલાડીઓની ટીકા કરવાને કારણે ઇરફાનને પેનલમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રોહિત શર્માનું નામ પણ તેમાં સામેલ હતું. ઇરફાન પઠાણે હવે પોતે જણાવ્યું છે કે, શું હકીકતમાં ભારતીય કેપ્ટનની ટીકા કરવાને કારણે તેને પેનલમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
લલ્લનટોપને આપેલા ઈન્ટરવ્યૂમાં ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું હતું કે, કોની ટીકા કરવાને કારણે તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યો હતો? ઇરફાને તેનો જવાબ આપતા કહ્યું કે, ‘જુઓ, મારું માનવું છે કે કોમેન્ટ્રેટર્સનું કામ છે કે જે દેખાય છે તેનાથી આગળની કહાની બતાવે, જે ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, જે થઈ રહ્યું છે તે કેમ થઈ રહ્યું છે. શું થઈ શકે છે, શા માટે અને કેવી રીતે થઈ શકે છે. કોમેન્ટ્રેટરનું આજ કામ છે. જો ખેલાડી સારું પ્રદર્શન કરે છે, તો તેની પ્રશંસા કરવી. જો આવું ન કરી શકે, તો તેની ટીકા કરવી. કોમેન્ટ્રેટરની જવાબદારી ખેલાડી માટે નહીં, પરંતુ ફેન્સ માટે છે.
ત્યારબાદ ઇરફાને રોહિત શર્મા પર ખૂલીને વાત કરી. ઇરફાને કહ્યું કે, તેણે માત્ર ફેન્સ સમક્ષ સત્ય રજૂ કર્યું. રોહિત શર્મા સફેદ બૉલનો શાનદાર ખેલાડી છે. જોકે, તે વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં તેની 6ની સરેરાશ હતી. તો અમે કહ્યું કે જો રોહિત કેપ્ટન ન હોત, તો પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા બનતી નથી. ઇરફાને અહીં એમ પણ કહ્યું કે લોકોને લાગે છે કે તે રોહિતને જરૂર કરતા વધુ બેક કરે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ દરમિયાન ઇરફાને રોહિતનું ઇન્ટરવ્યૂ લીધું હતું. જેમાં રોહિતે કહ્યું હતું કે તે સંન્યાસ નહીં લે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ઇરફાન રોહિતને ખૂબ બેક કરે છે. જોકે, ઇરફાનનું માનવું છે કે તે માત્ર બ્રોડકાસ્ટર તરીકે પોતાનું કામ કરે છે.
ઇરફાને કહ્યું કે, ‘લોકો વાત કરે છે કે, અમે રોહિતને ઓવર ધ ટોપ સપોર્ટ કર્યો છે. સ્વાભાવિક છે કે, જો કોઈ તમારી બ્રોડકાસ્ટિંગ ચેનલ પર આવશે, તો તમે તેની સાથે ખરાબ વર્તન નહીં કરો. જેમ તમે મને આમંત્રણ આપ્યું છે. હું આવ્યો છું, એટલે તમે નમ્રતા બતાવશો. બતાવવું પણ જોઈએ. જ્યારે રોહિત આવ્યો હતો, ત્યારે તે અમારો મહેમાન હતો. તે વાત એવી રીતે રજૂ કરવામાં આવી હતી કે અમે સપોર્ટ કરી રહ્યા છીએ. પરંતુ અમે જ એ લોકો હતા, જેમણે કહ્યું હતું કે તેની જગ્યા બનતી નથી. જોકે, આ વાત ન ચાલી. ઇન્ટરવ્યૂવાળી વાત વધુ ચાલી. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે પોતે જ સીરિઝની છેલ્લી મેચમાંથી હટવાનો નિર્ણય લીધો હતો.

