- Sports
- શું શુભમન ગિલના ઝઘડાને કારણે હારી ગઈ ભારતીય ટીમ? મોહમ્મદ કૈફે આ શું કહી દીધું?
શું શુભમન ગિલના ઝઘડાને કારણે હારી ગઈ ભારતીય ટીમ? મોહમ્મદ કૈફે આ શું કહી દીધું?
લોર્ડ્સમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ સવાલોના ઘેરામાં છે. આ મેચમાં ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારે ન માત્ર સીરિઝમાં ભારતની સ્થિતિ નબળી કરી, પરંતુ કેપ્ટન શુભમન ગિલની કેપ્ટન્સી પર પણ સવાલ ઉઠાવ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ગિલની કેપ્ટન્સી પર કહ્યું કે, તેના આક્રમક વલણે ઈંગ્લેન્ડ ઉશ્કેર્યું, જેના કારણે ભારતીય ટીમને નુકસાન ઉઠાવવું પડ્યું. મોહમ્મદ કૈફે કહ્યું કે ગિલે પોતાની ભૂલોમાંથી કડક પાઠ શીખવા પડશે.
ઉલ્લેખનીય છે કે, આ મેચના ત્રીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રાઉલી અને બેન ડકેટ સમય બગાડતા જોવા મળ્યા હતા, જેથી બંને ટીમો વચ્ચે તણાવ ઉત્પન્ન થઈ ગયો હતો. ક્રાઉલીએ ઈજાનું બહાનું બનાવીને દિવસની અંતિમ ઓવરોમાં બેટિંગને લાંબી ખેચવાનો પ્રયાસ કર્યો, જેથી તેને લાંબા સમય સુધી બેટિંગ ન કરવી પડે. ત્યારબાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલ મેદાનની વચ્ચે ક્રાઉલી સાથે બાખડી પડ્યો બંને ખેલાડીઓ વચ્ચે તીખી બહેસ જોવા મળી હતી. મોહમ્મદ કૈફે આ ઘટનાને હારના સૌથી મોટા કારણમાંથી કારણ ગણાવ્યું.
https://twitter.com/MohammadKaif/status/1945059362671583697
મોહમ્મદ કૈફનું માનવું છે કે આ બહેસે ઈંગ્લેન્ડની ટીમમાં જોશ ભરી દીધો, ત્યારબાદ તેમને ખૂબ જ સારી રમત બતાવી. કૈફે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘શુભમન ગિલ અને જેક ક્રાઉલી વચ્ચે થયેલી લડાઈએ ઈંગ્લેન્ડને હચમચાવી નાખ્યું. એજબેસ્ટન બાદ તેમની બેટિંગ, બોલિંગ અને કેપ્ટન્સી પર સવાલ ઉઠ્યા હતા. પરંતુ તે ઘટનાએ સ્ટોક્સને જોશથી ભરી દીધો અને તેણે શાનદાર બોલિંગ કરી. જે વલણ તમારા માટે અસરકારક હોય, તેના પર ટકી રહેવું સમજદારી છે. ગિલે આ મુશ્કેલ રીતથી શીખવું પડશે.’
આ ઘટના બાદ, ચોથા દિવસની શરૂઆતમાં મોહમ્મદ સિરાજે પણ ખૂબ ગુસ્સો બતાવ્યો હતો. બેન ડકેટને આઉટ કર્યા બાદ તેનું સેલિબ્રેશન વિવાદમાં રહ્યું અને તેને ICC તરફથી દંડનો સામનો પણ કરવો પડ્યો હતો. તો ચોથા દિવસના અંતમાં પણ બ્રાઇડન કાર્સ અને આકાશ દીપ વચ્ચે પણ ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. તો, પાંચમા દિવસે રવીન્દ્ર જાડેજા અને ઇંગ્લિશ ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ વચ્ચે મેદાન પર તીખી બહેસ થઈ હતી.

