- Sports
- બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન, પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે શુભમન ગિલ અને રિષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ માટે આદર્શ ઉમેદવાર છે કેમ કે તેમની પાસે ઉંમરનો સાથ છે અને તેઓ પહેલાથી જ IPL ટીમોની કેપ્ટન્સી કરી રહ્યા છે. શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે જસપ્રીત બૂમરાહ ફિટનેસ સમસ્યાઓને કારણે ટેસ્ટ કેપ્ટન બનવાનું ચૂકી ગયો, નહિતર તે આ ભૂમિકા માટે સ્વાભાવિક વિકલ્પ હોત. બૂમરાહને વધારાના ભારથી બચાવવો જોઈએ.
શાસ્ત્રીએ કહ્યું કે, મારા માટે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ બૂમરાહ સ્વાભાવિક પસંદગી હોત, પરંતુ હું નથી ઇચ્છતો કે તેને કેપ્ટન બનાવવામાં આવે અને પછી તમે તેને બોલર તરીકે ગુમાવી દો. રોહિત શર્માના તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ, પસંદગીકારોએ નવા ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરવાની છે. ભારતની આગામી ટેસ્ટ સીરિઝ ઇંગ્લેન્ડ વિરુદ્વ 20 જૂનથી લીડ્સમાં 5 મેચની સીરિઝ શરૂ થઈ રહી છે. બૂમરાહ (31)ને સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચમાં પીઠની ઇજા થઈ હતી, જેના કારણે તે જાન્યુઆરીથી એપ્રિલ સુધી લગભગ 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો અને તે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો હિસ્સો બની શક્યો નહોતો. જોકે, તેણે IPLમાં વાપસી કરી અને મુંબઈ ઇન્ડિયન્સ માટે 8 મેચમાં 13 વિકેટ લીધી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તેણે (બૂમરાહ) હવે એક-એક મેચ કરીને આગળ વધવું પડશે. હવે ટેસ્ટનો અસલી પડકાર હશે- 10 ઓવર, 15 ઓવર બોલિંગ કરવાનું અને છેલ્લી વસ્તું જે તમે ઇચ્છો છો તે એ કે કેપ્ટનશીપનું દબાણ તેની માનસિક સ્થિતિને પર પડે. ગિલ અને પંત હજુ 20ના દશકમાં છે, એટલે શાસ્ત્રીનું માનવું છે કે બોર્ડે ઉંમર અને દીર્ઘકાલીન યોજના જેવા કારકોને ધ્યાનમાં રાખીને નવો કેપ્ટન પસંદ કરવો જોઈએ. ગિલ ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન પંત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો કેપ્ટન છે.
શાસ્ત્રીએ કહ્યું કે, તમે કોઈને તૈયાર કરો. શુભમન ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. તેને અવસર આપો. તે 25-26 વર્ષનો છે. તેની પાસે સમય છે. રિષભ પણ છે. મને લાગે છે કે આ 2 સૌથી સ્પષ્ટ વિકલ્પ છે કારણ કે તેમની પાસે ઉંમર છે અને તેઓ આગામી 10 વર્ષ સુધી દેશ માટે રમી શકે છે. તેમને શીખવાનો અવસર આપો. તેમની પાસે કેપ્ટન્સીનો અનુભવ છે કારણ કે તેઓ IPLમાં પોત પોતાની ટીમોની કેપ્ટન્સી કરી રહ્યા છે અને તેનાથી ફરક પડે છે.

તેમણે ગિલના વિદેશી પ્રવાસો પર રન ન બનાવવાની ચિંતાને ફગાવતા કહ્યું કે, લોકો કહે છે કે તેણે વિદેશમાં રન નથી બનાવ્યા. હું કહું છું, પહેલા તમે પોતાના રેકોર્ડ જુઓ, તમે વિદેશી ધરતી પર કેટલું કર્યું છે. તેને રમવા દો, જ્યારે તે વિદેશી પ્રવાસ પર રમશે તો રન પણ બનાવશે. તે ક્લાસ ખેલાડી છે. તેની પાસે દેશ માટે રમવાનું એક દશક છે. અને મને પૂરો ભરોસો છે કે તે જલદી જ વિદેશી ધરતી પર પણ છવાઈ જશે.