- Sports
- બાથરૂમમાં ફોન છૂપાવતો પકડાયો ચેસ ખેલાડી, લાગ્યો 3 વર્ષનો પ્રતિબંધ, ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પણ છીનવાયો
બાથરૂમમાં ફોન છૂપાવતો પકડાયો ચેસ ખેલાડી, લાગ્યો 3 વર્ષનો પ્રતિબંધ, ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પણ છીનવાયો
ચેસની દુનિયામાંથી મોટા સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)એ યુક્રેનના ગ્રાન્ડમાસ્ટર કિરિલ શેવચેન્કોને અનુશાસનાત્મક આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષિત ઠેરવ્યો છે. ત્યારબાદ તેના પર 3 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 19 ઓક્ટોબર 2024 થી 18 ઓક્ટોબર 2027 સુધી લાગૂ રહેશે. જોકે તેમાં છેલ્લા એક વર્ષને સસ્પેન્ડેડ સમયગાળા તરીકે રાખવામાં આવ્યો છે. સાથે જ શેવચેન્કો પાસેથી 2017માં હાંસલ કરવામાં આવેલો તેનો ગ્રાન્ડમાસ્ટર ખિતાબ પણ છીનવી લેવામાં આવ્યો છે.
FIDEના એથિક્સ એન્ડ ડિસિપ્લિનરી કમિશને કહ્યું કે, શેવચેન્કોએ આચારસંહિતાની કલમ 11.7 (e)નું ઉલ્લંઘન કર્યું છે, જે ચેસમાં છેતરપિંડી સાથે સંબંધિત છે. FIDE મેનેજમેન્ટ બોર્ડના ડેપ્યુટી ચેર ડાના રેઝનિએસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘FIDE ટોચના ખેલાડીઓ સાથે જોડાયેલા છેતરપિંડીના કેસોને ખૂબ ગંભીરતાથી લે છે. અમે નિવારણ અને તાત્કાલિક કાર્યવાહી પર સખત મહેનત કરી રહ્યા છીએ. નિષ્પક્ષ રમત ચેસની વિશ્વસનીયતા અને ભવિષ્ય માટે અનિવાર્ય છે.
આ મામલો ત્યારે શરૂ થયો હતો, જ્યારે 2024માં સ્પેનિશ ટીમ ચેમ્પિયનશિપ દરમિયાન શેવચેન્કો પર સ્માર્ટફોનનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે સ્પેનમાં સ્પેનિશ ટીમ ચેમ્પિયનશિપ દરમિયાન એક ખાનગી શૌચાલયમાંથી એક ફોન મળ્યો હતો. ફોન પાસે એક હસ્તલિખિત નોટ પણ રાખવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, તેને સ્પર્શ કરવો પ્રતિબંધિત છે! આ ફોન રાત્રે મહેમાન માટે છોડી દેવામાં આવ્યો છે.
પહેલા ચરણમાં તેને ફર્સ્ટ ઇન્સ્ટન્સ ચેમ્બરે 3 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. શેવચેન્કોએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, પરંતુ FIDEના ફેર પ્લે કમિશને તેની સામે ક્રોસ અપીલ દાખલ કરી હતી. આખરે, એથિક્સ એન્ડ ડિસિપ્લિનરી કમિશને સર્વાનુમતે શેવચેન્કોની અપીલને ફગાવી દીધી હતી અને પ્રતિબંધને અકબંધ રાખ્યો હતો. આ નિર્ણય સાથે, ચેસ જગતને વધુ એક મોટો સંદેશ મોકલવામાં આવ્યો છે કે છેતરપિંડી સહન કરવામાં નહીં આવે અને નિષ્પક્ષ રમતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

