- Sports
- રાજસ્થાન રોયલ્સને છોડીને આ ટીમમાં જવા માંગે છે સંજુ, શું છે તેની પાછળનું કારણ
રાજસ્થાન રોયલ્સને છોડીને આ ટીમમાં જવા માંગે છે સંજુ, શું છે તેની પાછળનું કારણ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન હજુ દૂર છે, પરંતુ તેને લઈને સમાચાર આવવા લાગ્યા છે. આ સમયે સૌથી વધુ ચર્ચામાં જે ખેલાડી અને ટીમ છે તે સંજૂ સેમસન અને રાજસ્થાન રોયલ્સ છે. એવી ચર્ચા ચાલી રહી છે કે સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સથી અલગ થવા માગે છે. જોકે, સંજૂ અને ટીમ મેનેજમેન્ટ તરફથી આ બાબતે કોઈ નિવેદન સામે આવ્યું નથી. શું સંજૂ સેમસન IPLની આગામી સીઝનમાં રાજસ્થાન માટે નહીં રમે? આ વાતની શક્યતા ખૂબ વધારે નજરે પડે છે.
એવા સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાન તેને પોતાની સાથે રાખવા માગે છે, પરંતુ સંજૂ પોતે હવે ટીમ સાથે રહેવા માગતો નથી. પરંતુ શું રાજસ્થાનની ટીમ ઇચ્છશે કે જે ખેલાડી તેમની સાથે રહેવા માગતો નથી તેને બળજબરીથી તેમની સાથે રાખવામાં આવે. તેનાથી તો ટીમને નુકસાન જ થશે. એ જોવું રસપ્રદ રહેશે કે સંજૂ સેમસન ઓક્શનમાં જશે કે તે પહેલાં બીજી ટીમમાં ટ્રેડ થઈ જશે. આ મામલે ક્રિકબઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંજૂ સેમસન અને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ વચ્ચે કેટલાક મતભેદો ઉભા થયા છે, જે હવે ગંભીર દેખાઈ રહ્યા છે. એટલે પોતે સંજૂએ તેમને ટ્રેડ કરવા અથવા ઓક્શનમાં જવાનો અનુરોધ કર્યો છે. પરંતુ એવી વાત સામે આવી છે કે સંજુ સેમસન ચેન્નાઇની ટીમમાં જવા માગે છે, જેને લઈને વાત પણ થઈ રહી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
એવું જાણવા મળ્યું છે કે સંજૂ સેમસનના રાજસ્થાન સાથેનો સંબંધ હવે અગાઉ જેવા રહ્યા નથી. પરંતુ માત્ર સંજૂની ઈચ્છાથી તે ટીમ છોડી નહીં શકે. IPLનો નિયમ છે કે, એકવાર ખેલાડી કોઈ ટીમમાં જાય છે, તો તેણે 3 વર્ષ સુધી ત્યાં રહેવું પડે છે. ખેલાડીને વચ્ચે ત્યારે જ રીલિઝ કરી શકાય છે અથવા ટ્રેડ કરી શકાય છે જ્યારે ખેલાડી અને ટીમ પોતે ઈચ્છે. આ હિસાબે વર્ષ 2027 સુધી સંજૂ રાજસ્થાન સાથે જ રહેશે.
એવું જાણવા મળ્યું છે કે કેપ્ટન હોવા છતા સંજૂ સેમસનને પોતાનો બેટિંગ નંબર પણ નક્કી કરવાનો અધિકાર નથી. સંજૂ સેમસન ઈચ્છે છે કે ઇનિંગની શરૂઆત કરે અને પોતાની ટીમ માટે ઓપનિંગ કરે, પરંતુ વૈભવ સૂર્યવંશીએ ગત સીઝનમાં કેટલીક મેચોમાં જે રીતે બેટિંગ કરી છે ત્યારબાદ આ એક પ્રબળ ઓપનિંગ જોડી બનીને સામે આવી ચૂકી છે. જોકે, સંજૂ સેમસને છેલ્લા કેટલાક સમયમાં ભારતીય ટીમ માટે પણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનિંગ કરી છે અને તે ત્યાં ઘણી હદ સુધી સફળ રહ્યો છે. ક્રિકબઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જ કારણે પરસ્પર મતભેદ નહીં હોઈ શકે, કેટલાક અન્ય કારણો પણ છે.
સંજૂ સેમસ વર્ષ 2015માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો, જ્યારે તે ખૂબ નવો હતો. પહેલા ખેલાડી તરીકે અને પછી કેપ્ટન તરીકે, સંજૂએ રાજસ્થાનને ઘણું આપ્યું છે, એટલે આ બંનેનું અલગ થવું પણ સરળ કામ નથી. જોકે, અત્યારે તો માત્ર ચર્ચા છે અને તેનાથી વધુ કંઈ નથી. જે કંઈ પણ ચાલી રહ્યું છે, તેની બાબતે સંજૂ અથવા રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન ન આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. એટલે થોડો સમય સુધી રાહ જોવી જોઇએ, આજ સારો વિકલ્પ છે.

