- Sports
- ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે
ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયા હતા. તેમનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ ફિક્સ થઈ ગયું હતું. તેમણે વિશ્વની નંબર-1 કુસ્તીબાજને પણ હરાવી દીધી હતી. જોકે, ફાઇનલ પહેલા તેમનું વજન વધારે હોવાનું જાણવા મળતા ભારે હોબાળો મચી ગયો હતો. ભારતે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ વિનેશને ડિસ્ક્વાલિફાઇ કરી દેવામાં આવ્યા હતા. મેડલ જીતવાના તેમના સપના પર પાણી ફરી વળ્યું હતુમ. ત્યારબાદ વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. ભારત પરત ફર્યા બાદ તેઓ રાજનીતીમાં આવી ગયા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. તેમણે હરિયાણાના જુલાનાથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના યોગેશ કુમારને 6000 મતોથી હરાવીને જીત હાંસલ કરી.
હવે વિનેશ ફોગાટે કુસ્તીબાજીમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તેઓ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માગે છે. વિનેશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, ‘લોકો પૂછતા રહ્યા કે શું પેરિસ અંત હતો. લાંબા સમય સુધી, મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો. મારે મેટથી, પ્રેશરથી, અપેક્ષાઓથી અહીં સુધી કે પોતાના સપનાથી દૂર જવાની જરૂરિયાત હતી. વર્ષોમાં પહેલી વાર, મેં મારી જાતને શ્વાસ લેવા દીધી. મેં મારી સફરના ભારને સમજવા માટે સમય લીધો- ઉતાર-ચઢાવ, દિલ તૂટવું, ત્યાગ, મારા તે રૂપ જે દુનિયાએ ક્યારેય જોયા નથી. અને તે વિચારમાં ક્યાંક, મને સત્ય મળ્યું: મને હજુ પણ આ રમત પસંદ છે. હું અત્યારે પણ મુકાબલો કરવા માંગુ છું.’
https://twitter.com/Phogat_Vinesh/status/1999368427220484480?s=20
તેમણે વધુમાં લખ્યું કે, ‘આ મૌનમાં મને કંઈક એવું મળ્યું જે હું ભૂલી ગઈ હતી: આગ ક્યારેય ખતમ થતી નથી. તે માત્ર થાક અને અવાજો નીચે દબાઈ ગયું હતું. ડિસિપ્લિન, રૂટિન, લડાઈ... આ બધું મારા સિસ્ટમમાં છે. હું ગમે તેટલી દૂર જતી રહું, મારો એક ભાગ મેટ પર જ રહ્યો. તો હું અહીં છું, LA28 તરફ એક એવા દિલ સાથે ફરીથી પગલાં વધારી રહી છું, જે નીડર છે અને એક એવી ભાવના, જે ઝૂકવાનો ઇનકાર કરે છે અને આ વખતે હું એકલી ચાલી રહી નથી; મારો પુત્ર મારી ટીમ, મારી સૌથી મોટી પ્રેરણા, LA ઓલિમ્પિક્સના આ માર્ગ પર મારો નાનો ચીયરલીડર સાથે સામેલ થઇ રહ્યો છે.’

