25 વર્ષના દીકરાની મા શ્રમિક પરિવારના બાળકને ઉઠાવીને ભાગવાની હતી, પછી...
સુરતના લાલગેટ વિસ્તારમાંથી શ્રમિકના બાળકના અપહરણની ઘટના સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તાતીથૈયા ગામની ઘટનાની જેમ જ લાલગેટની ઘટનામાં પણ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક એક્શન લઈને મહિલા અપહરણકર્તાને શોધી કાઢી હતી અને બાળકને તેની પકડમાંથી છોડાવ્યું હતું અને બાળકના અસલી માતા-પિતાને સોંપ્યું હતું. અજાણ્યા શહેરમાં ગુમાવેલા પોતાનું વ્હાલસોયું બાળક ફરી એકવાર હાથમાં લેતા પોલીસ સ્ટેશનમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક શ્રમિક દંપતી પોતાના 2 બાળકો સાથે ફૂટપાથ પર રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બાળકની માતા સાહિસ્તા શેખ જ્યારે રવિવારી બજારમાં કપડાં ખરીદવા ગઈ હતી, ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈ સુરેખાએ બાળકનું અપહરણ કર્યું અને સુરત રેલ્વે સ્ટેશનથી ટ્રેન દ્વારા વલસાડ પોતાના ગામ ભાગી ગઈ. જ્યારે તે બાળકની માતા પાછી ફરી ત્યારે બાળક નહોતું. ત્યારબાદ આસપાસ તપાસ કરી છટ પોતાનું બાળક ન મળતા આ દંપતી આખરે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી.
ઘટનાની જાણ થતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી ગઈ હતી. 60-70 લોકોએ આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં એક મહિલા બાળકને લઈ જતી કેદ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક આ મહિલાને ટ્રેસ કરવાના પ્રયાસ હાથ ધાર્યા. તપાસ દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી લઈ નવસારી, વલસાડ સુધીના સ્ટેશનો પર પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડના લીલાપુર વિસ્તારમાંથી મહિલાને બાળક સાથે ઝડપી પાડી હતી.
બાળકનું અપહરણ કરનાર મહિલાની ઓળખ સુરેખા નાયક તરીકે થઈ છે. સુરેખા નાયકના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને 25 વર્ષનો એક દીકરો પણ છે, જોકે તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તે અત્યારે બીજા શખ્સ સાથે રહેતી હતી. આ નવા સંબંધમાંથી સંતાન ન થતા બાળકોની ખોટ પૂરી પાડવા માટે તેણે આ બાળકનું અપહરણ કર્યું હતું.
પોલીસે આપેલી માહિતી અનુસાર, તપાસમાં એમ પણ ખુલ્યું કે સુરેખા સુરેખા નાયકે સુરતમાં 3-4 વખત રેકી કરી હતી. આ અગાઉ તેણે હાલોલ, પાવાગઢ અને વડોદરા જેવા વિસ્તારોમાં પણ બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં પોતાના ઇરાદામાં સફળ ન થતા તેણે સુરતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને અપહરણ કર્યા બાદ તે બાળકને લઈને આસામ ભાગવાની તૈયારીમાં હતી. તેના માટે તેણે સામાન પણ તૈયાર કરી રાખ્યો હતો. જોકે પોલીસની સતર્કતાને કારણે આ મહિલા પકડાઈ ગઈ છે.
થોડા દિવસ અગાઉ તાતીથૈયા ગામમાંથી માત્ર દોઢ વર્ષના બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પોલીસે તત્પરતા દાખવી 12 કલાકની અંદર જ હેમખેમ છોડાવી તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સુપ્રત કર્યો હતો. અપહરણના આ ગુનામાં સંડોવાયેલા નિ:સંતાન દંપતીને બારડોલી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું.

