- Business
- અદાણી પાવરને મળ્યો બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ, પૂર્વ મંત્રીએ કૌભાંડનો લગાવ્યો આરોપ...
અદાણી પાવરને મળ્યો બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ, પૂર્વ મંત્રીએ કૌભાંડનો લગાવ્યો આરોપ
બિહાર સરકારે 2,400 મેગાવોટના ભાગલપુર (પીરપૈંટી) થર્મલ પાવર પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયા પછી અદાણી પાવર લિમિટેડને આપી દીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ ત્રણ અન્ય દાવેદારોની સરખામણીમાં સૌથી ઓછો પાવર ટેરિફની બોલી લગાવી હતી. ટેન્ડર પ્રક્રિયાથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, અદાણી પાવરે પ્રોજેક્ટ માટે પ્રતિ યુનિટ રૂ. 6.075ની બોલી લગાવી હતી, જે ટોરેન્ટ પાવર, JSW એનર્જી અને લલિતપુર પાવર જનરેશનની બોલીઓની સરખામણીમાં સૌથી ઓછી છે.
આ દરમાં પ્રતિ યુનિટ રૂ. 4.165નો ફિક્સ્ડ ચાર્જ અને પ્રતિ યુનિટ રૂ.1.91નો ફ્યુઅલ ચાર્જ શામેલ છે. બિહાર સરકારે આ દરને ખૂબ જ સ્પર્ધાત્મક દર તરીકે વર્ણવ્યો હતો, અને કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં તાજેતરમાં આ જ પ્રકારના પ્રોજેક્ટ માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 4.222થી રૂ. 4.298 પ્રતિ યુનિટ સુધીનો હતો. રાજ્ય સરકારે રાજ્યની વધતી જતી વીજળી માંગને પહોંચી વળવા માટે આ ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું. એવો અંદાજ છે કે, 2034-35 સુધીમાં રાજ્યની વીજળીની માંગ બમણી થઈને 17,000 મેગાવોટથી વધુ થઈ જશે.

ટોરેન્ટ પાવરે પ્રતિ યુનિટ 6.145 રૂપિયા, લલિતપુર પાવરે પ્રતિ યુનિટ 6.165 રૂપિયા અને JSW એનર્જીએ પ્રતિ યુનિટ 6.205 રૂપિયાની બોલી લગાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આખી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તમામ દરખાસ્તોનું મૂલ્યાંકન E-બિડિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત થવાની અપેક્ષા છે, જેનાથી રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ અને રોજગારમાં નોંધપાત્ર વધારો થશે.
જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અદાણી ગ્રુપ કંપનીને આ પાવર પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો તે રાજકીય વિવાદ બની ગયો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય ઊર્જા પ્રધાન R.K. સિંહે બિહારમાં વીજળી ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. વિપક્ષ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ K C વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'બિહારમાં અદાણી ગ્રુપને ખાસ છૂટછાટો આપવામાં આવી રહી છે. પ્રતિ યુનિટ છ રૂપિયાના દરે વીજળી ખરીદવાનો પ્રસ્તાવ ગરીબ અને મધ્યમ વર્ગના પૈસા PM નરેન્દ્ર મોદીના નજીકના ઉદ્યોગપતિઓને આપવા સમાન છે.'

જોકે, સૂત્રોએ પ્રોજેક્ટ ફાળવણી અંગે લગાવાયેલા આ આરોપોને નકારી કાઢ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે, ઉત્પાદન ખર્ચમાં તાજેતરના વધારા છતાં પ્રતિ યુનિટ 6.075 રૂપિયાનો દર સ્પર્ધાત્મક છે અને તેમાં અદાણી પાવરને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. પ્રોજેક્ટ માટે નિર્ધારિત જમીન રાજ્ય સરકારની માલિકીની છે અને બિહાર ઔદ્યોગિક રોકાણ પ્રમોશન નીતિ, 2025 હેઠળ નજીવા ભાડા પર ભાડે આપવામાં આવી છે. પ્રોજેક્ટની મુદત પૂરી થયા પછી જમીન રાજ્ય સરકારને પરત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અદાણી પાવરને કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી નથી અને કંપની પાવર પ્લાન્ટ વિકસાવવા અને ચલાવવા માટે જવાબદાર રહેશે. ભાગલપુર પ્રોજેક્ટ સૌપ્રથમ 2012માં બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, પરંતુ પૂરતા રોકાણકારો ન મળવાને કારણે 2024માં તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો હતો.

