પોલ ખૂલી ગઈ તો અજીત પવાર બોલ્યા- ‘મારા પુત્રને ખબર નહોતી કે તે સરકારી જમીન છે'
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પોતાના પુત્ર પાર્થ પવારના લેન્ડ ડીલને લઈને ઉઠેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, પાર્થને એ વાતની ખબર નહોતી કે પુણેમાં તેમની કંપનીએ જે જમીન ખરીદી છે તે સરકારની છે. વિવાદાસ્પદ ડીલ હવે રદ કરી દેવામાં આવી છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ ડીલમાં પુણેના મુંડવામાં પોશ કોરેગાંવ પાર્ક વિસ્તાર નજીક 40 એકર જમીનનો સમાવેશ થાય છે. 1,800 કરોડ રૂપિયાની આ જમીન કથિત રીતે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને 300 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. એવો આરોપ છે કે, તેમાં 21 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી પણ માફ કરવામાં આવી હતી. પાર્થ પવાર આ કંપનીમાં ભાગીદાર છે.
આ મામલે સ્પષ્ટતા કરતા અજીત પવારે જણાવ્યું હતું કે, સરકારે આ ડીલની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, જે એક મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. મહેસૂલ સચિવના વચગાળાના અહેવાલમાં જમીન વ્યવહારમાં ગંભીર ગેરરીતિઓની વાત કહેવામાં આવી છે. પવારે કહ્યું કે, ‘ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજોની નોંધણી રદ કરવામાં આવી છે અને આ સંબંધમાં અધિકારીઓને એક સોગંદનામું સોંપી દેવામાં આવ્યું છે. એક પણ રૂપિયો કોઈના હાથમાં ગયો નથી. આ જમીન સરકારી છે અને તેને વેચી શકાતી નથી. પાર્થ અને તેમના ભાગીદાર દિગ્વિજય પાટિલને આ વાતની જાણકારી નહોતી.
NCP નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે, જે માહિતી ઉપલબ્ધ થઈ છે, તેના આધારે એ સ્પષ્ટ છે કે આ ડીલ માત્ર જમીન ખરીદવાની સમજૂતી હતી. પાર્થ, તેમની કંપની કે તેમના પરિવારના કોઈપણ સભ્યએ વેચનારને કોઈ ચૂકવણી કરી નથી, ન તો ક્યારેય જમીનનો કબજો લેવામાં આવ્યો છે. એટલે લેવડ-દેવડ અધૂરી રહી.
આ મામલે 3 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. અજીત પવારે કહ્યું કે, FIRમાં ભાગીદાર પાટિલ સહિત 3 લોકોના નામ છે, પરંતુ તેમના પુત્રનું નામ નથી કારણ કે જેમનું નામ છે તે ત્રણેય જ દસ્તાવેજો પર સહી કરવા માટે રજિસ્ટ્રાર ઑફિસ ગયા હતા. આ બાબતે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. આ અગાઉ, CM દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં આ જમીન ડીલમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓની તપાસના આદેશ આપ્યા હતા.

