- World
- પુત્રીને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી ચા પીતા જ મહિલાને વિચિત્ર બીમારી થઇ
પુત્રીને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી ચા પીતા જ મહિલાને વિચિત્ર બીમારી થઇ
સ્કોટલેન્ડની રહેવાસી એક મહિલાએ પોતાના એક ભયાનક અનુભવ વિશે અહીં જણાવ્યું છે, જ્યારે તેણે તેની પુત્રીને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી, ચા પીધા પછી તેનો ચહેરો સુન્ન મારી ગયો હતો, અને તેના હોઠ, આંખો, પાંપણ અને ચહેરાના અન્ય સ્નાયુઓએ કામ કરવાનું બંધ કરી દીધું.
એક સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, 30 વર્ષીય કરીના વ્હાઇટે 8 ઓગસ્ટના રોજ તેની પુત્રી, મેકેન્ઝી વ્હાઇટને જન્મ આપ્યો. માત્ર 10 દિવસ પછી, ચા પીતી વખતે, તેને એક વિચિત્ર સુન્ન મારી ગયો હોય એવો અનુભવ થયો: તેના હોઠ સુન્ન થવા લાગ્યા અને તેના ચહેરાની ડાબી બાજુ લટકી પડી હોય એવું તેને લાગવા લાગ્યું.
કરીના વ્હાઇટને લાગ્યું કે તે કોઈ એલર્જી અથવા સ્ટ્રોકથી પીડિત હોઈ શકે છે, કારણ કે ચા પીતી વખતે તેનો ચહેરો લટકવા લાગ્યો હતો. પરંતુ આ માટે તે ડૉક્ટર પાસે ગઈ ત્યારે તેને ખરી હકીકતની ખબર પડી. હોસ્પિટલમાં પહોંચ્યા પછી, એલર્જી અને સ્ટ્રોક બંનેને નકારી કાઢવામાં આવ્યા, કારણ કે તેને બેલ્સ પાલ્સી હોવાનું નિદાન થયું.
NHS અનુસાર, બેલ્સ પાલ્સી એક એવી સ્થિતિ છે, જે કામચલાઉ નબળાઈ અથવા હલનચલન ગુમાવવાનું કારણ બની શકે છે, જે સામાન્ય રીતે ચહેરાની એક બાજુને અસર કરે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરીનાને પાંચ દિવસ માટે સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા હતા.
આ પછી પણ, તેને હજુ પણ તેના મોંમાંથી લાળ ટપકતી અટકાવવા માટે તેના હોઠ પર ટેપ લગાવવી પડે છે અને સૂતી વખતે તેની ડાબી આંખ પર ટેપ લગાવવી પડે છે, કારણ કે તે તેની આંખની પાંપણ બંધ કરી શકતી નથી.
કરીનાએ સમજાવ્યું કે, આ તે સમયે થયું જ્યારે તે બાળકને જન્મ આપ્યા પછી સ્વસ્થ થઈ રહી હતી. સ્કોટલેન્ડના ફિફના ગ્લેનરોથેસમાં રહેતી કરીનાએ કહ્યું, 'હું સંપૂર્ણપણે અંદરથી તૂટી ગઈ હતી. મને પહેલાથી જ આત્મવિશ્વાસની સમસ્યા હતી અને હું હમણાં જ બાળકના જન્મમાંથી બહાર આવી હતી અને મારા શરીરને ફરીથી પહેલા જેવું બનાવવાનું શીખી રહી હતી. ત્યાર પછી મારા ચહેરાનો અડધો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો.'
તેણે કહ્યું કે બાળકને જન્મ આપ્યાના 10 દિવસ પછી આવું બન્યું. 'જ્યારે હું ચા પીધા પછી સોફા પર ગઈ અને બાળકને સ્તનપાન કરાવતી હતી. મારા હોઠની કિનારીઓ સુન્ન થવા લાગી. મને તે વિચિત્ર લાગ્યું અને લાગ્યું કે તે એલર્જી છે. એક કલાકમાં તો મારો અડધો ચહેરો લટકવા લાગ્યો, અને મને લાગ્યું કે મને સ્ટ્રોક આવી ગયો છે.'
આ ઉપરાંત, કરીનાએ ટિકટોક પર તેના ચહેરાના લકવાના ફૂટેજ પણ પોસ્ટ કર્યા. કરીનાએ સમજાવ્યું, 'મને બે અઠવાડિયા સુધી દુખાવો થતો હતો અને એવું લાગતું હતું કે મને કચડી નાખવામાં આવી રહી હોય, પણ હવે મને દુખાવો નથી. હું મારા મોંમાંથી પાણી ટપક્યા વગર પી શકું છું. એક કપ પાણી પીતી વખતે મારે મારા હોઠ પર હાથ રાખવા પડે છે. જ્યારે હું વાત કરું છું ત્યારે હું તોતડું બોલું છું. હું શબ્દો યોગ્ય રીતે ઉચ્ચારી શકતી નથી.'
પહેલા બે અઠવાડિયા સુધી, મારા ચહેરા પર ખોરાક ચોંટી રહેતો હતો, પરંતુ હવે મેં યોગ્ય રીતે ખાવાનું શીખી લીધું છે. તે ખૂબ જ ગંદુ લાગતું હતું. હવે, મારા ડાબા હોઠમાં થોડી હલનચલન શરુ થઇ છે.
તેણે બતાવ્યું કે, 'મારી આંખો હજુ પણ બળે છે, અને હું આંખના ટીપાંનો ઉપયોગ કરું છું. ક્યારેક દિવસ દરમિયાન, હું મારી આંખોને મારી આંગળીથી બંધ કરું છું જેથી કરીને તે સુકાઈ ન જાય. મારે હજુ પણ રાત્રે મારી આંખો પર પાટો અથવા ટેપ લગાવવો પડે છે. કારણ કે તે બંધ થતી નથી.'
કરીના કહે છે કે, ડોકટરોએ તેને કહ્યું છે કે તે ઠીક થઈ જશે, પરંતુ તે સ્વીકારે છે કે, તેના મનમાં હંમેશા એક દર બેસી ગયો છે કે તે ઠીક નહીં થાય. તેને ડર લાગવા છતાં તે મક્કમ બની રહી છે અને તેના અનુભવ વિશે જાગૃતિ લાવવા અને આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહેલા અન્ય લોકોને આશા આપવા માંગે છે.

