- World
- યુક્રેનના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું પરંતુ... શું ઝેલેન્સ્કીની નવી શરત માનશે ટ્રમ્પ...
યુક્રેનના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું પરંતુ... શું ઝેલેન્સ્કીની નવી શરત માનશે ટ્રમ્પ?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે, પરંતુ એક શરત છે. આ શરત છે- યુક્રેનને NATOમાં સામેલ કરવામાં આવે. રવિવારે કીવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું હતું કે, જો મારા રાજીનામાથી યુક્રેનમાં શાંતિ આવે છે, તો હું તૈયાર છું. પરંતુ બદલામાં યુક્રેનને NATOમાં જગ્યા મળવી જોઇએ.
ટ્રમ્પે ઝેલેન્સકીને સરમુખત્યાર અને સામાન્ય કોમેડિયન કહીને તેમની નિંદા કરી હતી. આમ છતા, ઝેલેન્સકીએ ટ્રમ્પ પાસે આશા વ્યક્ત કરી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ વાર્તામાં સક્રિય ભૂમિકા ભજવશે. ઝેલેન્સકીએ ટ્રમ્પને ઘેરતા કહ્યું હતું કે, મને આશા છે કે ટ્રમ્પ માત્ર મધ્યસ્થ નહીં, પરંતુ યુક્રેનના સાચા સાથી બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે માત્ર વાતચીતથી આ યુદ્ધ સમાપ્ત નહીં થઈ શકે.
નિષ્ણાતોનું માનવું છે કે ઝેલેન્સકીનું આ નિવેદન એક પ્રકારનો રાજકીય દાવ પણ હોઈ શકે છે. તેઓ NATO અને અમેરિકા પર દબાવ બવવા માગે છે જેથી તેને વધુ લશ્કરી અને આર્થિક મદદ મળી શકે.
યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પહેલા રશિયાનો યુક્રેન પર મોટો હુમલો
રશિયાએ યુક્રેનમાં મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલો રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ થયો હતો. ઝેલેન્સકીએ રવિવારે કહ્યું હતું કે મોસ્કોએ રાતભરમાં 200 કરતા વધુ ડ્રોન હુમલા કર્યા. રિપોર્ટ મુજબ, યુક્રેનની વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 138 ડ્રોનને તોડી પાડ્યા હતા, 119 અન્ય રડાર પરથી ગાયબ થઈ ગયા, સાથે જ રશિયાએ 3 બેલિસ્ટિક મિસાઇલો પણ છોડી હતી.

યુક્રેનના 5 પ્રદેશોમાં નુકસાનના સમાચાર મળ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે ગયા અઠવાડિયે રશિયાએ યુક્રેન પર કુલ 1,150 ડ્રોન, 1,400 કરતા વધુ હવાઈ બોમ્બ અને વિભિન્ન પ્રકારની 35 મિસાઇલો છોડી હતી.