- World
- સમુદ્રની નીચે રહેલા ઈન્ટરનેટના કેબલ કપાયા, એશિયામાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ થયું બંધ, જાણો કોણે કર્યું આ...
સમુદ્રની નીચે રહેલા ઈન્ટરનેટના કેબલ કપાયા, એશિયામાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ થયું બંધ, જાણો કોણે કર્યું આવું કામ?
રવિવાર, 7 સપ્ટેમ્બરના રોજ ભારત સહિત એશિયાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી. આ પાછળનું કારણ લાલ સમુદ્રની નીચે કેબલ કાપવાનું માનવામાં આવે છે. એવી આશંકા છે કે, આ હુતી બળવાખોરોનું કામ હોઈ શકે છે. પરંતુ તેમણે આ લાઈનો પર હુમલો કરવાનો ઇનકાર કરી દીધો છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઈન્ટરનેટ એક્સેસ પર નજર રાખતી કંપની નેટબ્લોક્સે જણાવ્યું હતું કે, લાલ સમુદ્રમાં દરિયાની નીચે કેબલમાં ઘણી રુકાવટો હોવાને કારણે, ઘણા દેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાન પણ શામેલ છે. કંપનીએ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક SMW4 અને IMEWE કેબલ સિસ્ટમ્સ સંબંધિત ખામીની જાણ કરી છે.
રિપોર્ટ મુજબ, યમનના હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં આ કેબલ્સને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બળવાખોરોનું કહેવું છે કે, આ ઝુંબેશ ઈઝરાયલ વિરુદ્ધ છે, જેથી ગાઝા પટ્ટીમાં હમાસ સામે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે તેના પર દબાણ લાવી શકાય. પરંતુ હુતીઓએ આ લાઈનો પર હુમલો કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, રવિવારે સવારે, હુતીઓની અલ-મસિરા સેટેલાઇટ ન્યૂઝ ચેનલે સ્વીકાર કર્યું છે કે, કેબલ કાપવામાં આવ્યા હતા.
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ ધીમી ઇન્ટરનેટ ગતિની ફરિયાદ કરી હતી. પરંતુ સરકારે તાત્કાલિક આ વિક્ષેપને સ્વીકાર્યો ન હતો. માઇક્રોસોફ્ટે અહેવાલ આપ્યો હતો કે, લાલ સમુદ્રમાં દરિયાઈ ફાઇબર કાપવાના કારણે પશ્ચિમ એશિયામાં ઇન્ટરનેટ ધીમું હોઈ શકે છે.
આ લાઇનો એવા સમયે કાપવામાં આવી રહી છે, જ્યારે યમનના હુતી બળવાખોરો સતત ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. 2024ની શરૂઆતમાં, યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત દેશનિકાલ સરકારે આરોપ લગાવ્યો હતો કે, હુતીઓએ લાલ સમુદ્રમાં દરિયાઈ કેબલ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ઘણા કેબલ કાપી નાખવામાં આવ્યા હતા, પરંતુ હુતીઓએ જવાબદારીનો ઇનકાર કર્યો હતો.
લાલ સમુદ્ર વિશ્વના એવા સ્થળોમાંનો એક છે જ્યાંથી યુરોપ અને એશિયા વચ્ચે લગભગ 17 ટકા ઇન્ટરનેટ ડેટા પસાર થાય છે. આ વખતે આ સમસ્યાએ SEACOM/TGN-EA, AAE-1 અને EIG જેવી મુખ્ય સિસ્ટમોને પણ અસર કરી છે, જેના કારણે વિશ્વભરમાં ઇન્ટરનેટની ગતિ પર અસર પડી છે. ઘણા નિષ્ણાતો માને છે કે, આ કેબલ ફક્ત અકસ્માત ન હોય શકે, પરંતુ જાણી જોઈને કરવામાં આવ્યા હોઈ શકે છે, કારણ કે પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષ અને તણાવને કારણે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું એ મોટી વાત નથી!
સેટેલાઇટ કનેક્શન અને લેન્ડ કેબલની સાથે, દરિયાઈ કેબલને ઇન્ટરનેટની કરોડરજ્જુ માનવામાં આવે છે. ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISP) પાસે સામાન્ય રીતે બહુવિધ એક્સેસ પોઈન્ટ હોય છે અને જો એક નિષ્ફળ જાય તો તેઓ ટ્રાફિકને બીજા તરફ વાળે છે, જોકે આ વપરાશકર્તાઓ માટે ગતિ ધીમી થઇ શકે છે. માઇક્રોસોફ્ટે તેની સ્ટેટસ વેબસાઇટ પર જાહેરાત કરી હતી કે, મધ્ય પૂર્વ 'લાલ સમુદ્રમાં દરિયાઈ ફાઇબર કપાઈ જવાને કારણે ઇન્ટરનેટ ઘણું ધીમું થઇ શકે છે.'
જહાજોમાંથી છોડવામાં આવેલા એન્કર દ્વારા દરિયાઈ કેબલ કપાઈ શકે છે, પરંતુ તે હુમલામાં પણ નિશાન બની શકે છે. સમારકામમાં અઠવાડિયા લાગી શકે છે, કારણ કે જહાજ અને તેની ટીમને ક્ષતિગ્રસ્ત કેબલનું ચોક્કસ સ્થાન શોધવાનું અને તે જગ્યાએ પહોંચવાનું હોય છે.

