- Tech and Auto
- Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે
Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે
એપલ કંપનીએ ભારત સરકારના એ આદેશને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં તમામ નવા સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ નામની સરકારી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી જરૂરી ગણાવી હતી. જો કે સરકારે હવે આ આદેશ પાછો ખેચી લીધો છે, પણ આ પહેલા Apple કંપનીએ સરકારને લેખિતમાં પોતાનો આપત્તિ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. સંચાર સાથી એપ સરકારે બનાવી છે, જેથી ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકાય, તેને બ્લોક કરી શકાય અને ખોટા કામોમાં ઉપયોગ થતા રોકી શકાય. સરકારનું કહેવું છે કે આનાથી સાયબર છેતરપિંડી અને ફોન ચોરીની સમસ્યા ઓછી થશે. પરંતુ એપલે તેને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો ઇનકાર કેમ કર્યો, ચાલો જાણીએ.
સરકારે ગુપ્ત રીતે એપલ, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓને 90 દિવસની અંદર બધા નવા ફોન પર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. જૂના ફોનમાં પણ અપડેટ દ્વારા આ એપ નાખવાની હતી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, યુઝર્સ એપને ડીલિટ અથવા ડિસેબલ ન કરી શકે.
રોઇટર્સના અહેવાલ મુજબ, એપલનું કહેવું છે કે તે વિશ્વના કોઈપણ દેશમાં આવા આદેશોનું પાલન કરતી નથી. કંપનીને ડર છે કે આમ કરવાથી તેના iPhoneની ગોપનીયતા અને સુરક્ષાને ખૂબ નુકસાન પહોંચશે. એપલની સમગ્ર સિસ્ટમ (iOS) ચુસ્તપણે બંધ હોય છે. કોઈ બાહ્ય એપ તેમાં ઊંડાણપૂર્વક ઘૂસી નહીં શકે. એપલને ડર છે કે, જો સરકારી એપને બળજબરીપૂર્વક નાખશે તો હેકર્સને તક મળી શકે છે અને યુઝર્સના વ્યક્તિગત ડેટા જોખમમાં પડી શકે છે. એટલે એપલે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે કે એપલની સિક્યોરિટીને સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે?
એપની પ્રાઈવસી પોલિસીમાં લખ્યું છે કે, iPhone યુઝર્સ પાસેથી કેમેરા, ફોટા અને ફાઇલો જોવાની પરવાનગી માંગવામાં આવશે. એન્ડ્રોઇડ ફોન કોલ લોગ, મેસેજ અને ફોન કોલ્સ સુધીનું ઍક્સેસ પણ માગી રહી છે. એપલને ડર છે કે આ એપ દ્વારા ફોનની જાસૂસી કરી શકાય છે, આજ કારણ છે કે તેણે પોતાના ફોનમાં સંચાર સાથી એપ નાખવાનો ઇનકાર કરી દીધો છે.
સરકારના આ આદેશ પર હોબાળો થયા બાદ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ એપ પૂરી રીતે વૈકલ્પિક છે. યુઝર ઈચ્છે તો તેને રાખે અથવા ગમે ત્યારે ડીલિટ કરી શકે છે. જો કે, અગાઉના આદેશમાં ડીલિટ કરવાની વાત લખી નહોતી.

