- Tech and Auto
- ભારતમાં TikTok પરથી પ્રતિબંધ હટશે કે નહીં? મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ
ભારતમાં TikTok પરથી પ્રતિબંધ હટશે કે નહીં? મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ
ભારતમાં TikTokની વાપસીની અફવાઓ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં શૉર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTok પરનો પ્રતિબંધ હટાવવાની કોઈ યોજના નથી. રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, મંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર વચ્ચે આ પ્રતિબંધ હટાવવા માટે કોઈ ચર્ચા થઈ નથી. મની કંટ્રોલ સાથેના એક ઈન્ટરવ્યૂમાં, જ્યારે તેમને ભારતમાં TikTokની વાપસીને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
ભારતમાં તાજેતરમાં TikTok વેબસાઇટ્સ જોવા મળી હતી, ત્યારબાદ ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આ પ્લેટફોર્મ ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે. હવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અફવાઓનો જવાબ આપ્યો છે. ભારતમાં ગયા મહિને TikTokની વેબસાઇટ ઘણા મોબાઇલ અને બ્રોડબેન્ડ યુઝર્સના નેટવર્ક પર ઍક્સેસ થઈ હતી. એવામાં, આ ટેક્નિકલ ખામીને કારણે ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આ પોર્ટલ ટૂંક સમયમાં ભારતમાં લાઇવ થશે અને પ્રતિબંધ હટશે. હવે સરકારે આ અંગે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે.
જૂન 2020 દરમિયાન ભારતમાં TikTok પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા ગોપનીયતાનો સંદર્ભ આપીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ બાદ એપલ અને ગૂગલે ભારતીય સર્વરમાંથી આ એપ્સ હટાવી દીધી હતી. ભારત સરકારે વર્ષ 2020માં જણાવ્યું હતું કે TikTok સહિત 59 ચીની એપ્સ ચીનના સર્વર પર યુઝગર્સના ડેટા મોકલી રહી છે. એવામાં લાખો યુઝર્સની ગોપનીયતા અને ડેટા સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. ભારત સરકાર ઇચ્છતી હતી કે ભારતમાં કામ કરતી બધી કંપનીઓ ભારતીય યુઝર્સના ડેટા ભારતમાં જ સંગ્રહિત કરે. TikTok આ શરત પર ખરી ઉતરી નહોતી અને પછી સરકારે તેની સામે કાર્યવાહી કરી.

