શું તમે જાણો છો? વૈશાખ મહિનામાં આટલા બધા ધાર્મિક તહેવારો આવે છે?

વૈશાખ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. આખાય વૈશાખ મહિનામાં એટલા બધા ધાર્મિક પર્વોની વણઝાર જોવા મળશે કે વાત ન પૂછો. મહિનાની શરૂઆત જ પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીયા જેવા શુભ પર્વથી થઈ.

એ પછી ક્રમવાર ગંગા સપ્તમી, સીતા નવમી, એ પછી મોહિની એકાદશી ત્યારબાદ નૃસિંહ જયંતિ અને પછીના દિવસે વૈશાખ સુદ પૂનમ એટલે કે શ્રી વિષ્ણુનાં બીજા અવતાર કૂર્મ જયંતિ. એના ૨ દિવસ પછી નારદ જયંતિ અને મહિનાનાં અંતમાં અપરા એકાદશી અને શનિ જયંતિ. તો ચાલો આજે દરેક પર્વ વિશે અછડતું જાણવાનો પ્રયત્ન કરીયે.

અક્ષય તૃતીયાથી શરૂઆત કરીયે તો આ દિવસ એટલે આખા વર્ષમાં આવતાં વણજોયાં મુહુર્તમાંનો એક. વૈશાખ મહિનાનાં શુક્લપક્ષની તૃતીયા તિથિ જે 'અક્ષય તૃતીયા'નાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જેને કેટલાક સ્થાનો પર 'અખાત્રીજ' પણ કહે છે. સનાતન ધર્મમાં આ તિથિનું વિશેષ મહત્વ છે. કારણ કે અક્ષયતિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ.

અખાત્રીજ એ સ્વયંસિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે વિવાહ, વેપાર પ્રારંભ, ગૃહ આરંભ વગેરે દરેક શુભકાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. તેથી જ આ દિવસે સૌથી વધુ લગ્નો પણ થાય છે. આ તિથિનાં રોજ કરવામાં આવેલ દાન-ધર્મનો અક્ષય મતલબ નાશ ન થનારું ફળ અને પુણ્ય મળે છે.

તેને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. કારણ કે આ તિથિ ૮ ચિરંજીવીઓમાંનાં એક ભગવાન પરશુરામની જન્મતિથિ પણ છે. ત્રેતાયુગની શરૂઆત પણ આ શુભ તિથિનાં રોજથી માનવામાં આવે છે. અખાત્રીજને દિવસે મા લક્ષ્મીની આરાધના થાય છે.

સતયુગનો પ્રારંભ પણ અખાત્રીજથી થયો હતો. મહાભારતનું યુદ્ધ પણ આજ દિવસે સમાપ્ત થયું હતું. આ દિવસથી બદ્રીનાથધામનાં દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરૂઆત થાય છે. અક્ષય તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો પ્રારંભ પણ થાય છે.

વૈશાખ શુક્લ સપ્તમીનાં દિવસે જ પરમપિતા બ્રહ્માનાં કમંડલમાંથી પહેલી વખત ગંગા અવતરિત થઈ હતી. ઋષિ ભાગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ગંગા ધરતી પર આવી હતી. કહેવાય છે કે, આ દિવસે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાથી ભક્તના તમામ પાપ કર્મો નાશ થાય છે, અને મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સર્વાધિક પ્રચલિત માન્યતા છે કે, ઋષિ ભાગીરથે રાજા સાગરનાં દીકરાનાં ઉદ્ધાર માટે, તેમને કપિલ મુનીનાં શ્રાપથી મુક્તિ અપાવવા માટે અને ધરતીવાસીઓની પ્યાસ બુઝાવવા માટે કેટલાએ વર્ષો સુધી ગંગાની તપસ્યા કરી. ભાગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગાએ પૃથ્વી પર આવવાનો સ્વીકાર કર્યો. ગંગા સપ્તમીનાં દિવસે જ ગંગા શિવની જટામાં સમાઈ ગયા અને તેમનો વેગ ઓછો થયો. ત્યારબાદ ભગવાન શિવની જટામાંથી થઈ મા ગંગા ધરતીલોકમાં અવતરિત થયા.

વૈશાખ માસનાં શુક્લ પક્ષની નવમી એટલે સીતા નવમી અથવા તો જાનકી નવમી કહેવાય છે. આજનાં દિવસે મા સીતા પ્રગટ થયાં હતાં. આજનાં દિવસે પુષ્ય નક્ષત્રમાં જ્યારે રાજા જનકે સંતાન પ્રાપ્તિ કામનાથી યજ્ઞની ભૂમિ તૈયાર કરવા ભૂમિ ખેડી હતી અને એ સમયે એમને પૃથ્વીમાં દબાયેલી એક બાળકી મળી હતી. ખેડાયેલી ભૂમીને તથા હળની નોકને સીતા કહે છે. આ જ કારણથી તેમનું નામ સીતા રાખવામાં આવ્યું.

વૈશાખ મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી કહેવામાં આવે છે. મોહિની એકાદશીનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. કથા અનુસાર, સમુદ્ર મંથન પછી અમૃત પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે ઝઘડો ચાલ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા.

તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને બધું અમૃત પીવડાવી દીધું અને દેવતા અમર થઈ ગયાં. આ ઘટનાક્રમ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ થયો એટલા માટે મોહિની એકાદશી કહેવામાં આવે છે.

પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પ્રાચીન સમયમાં વૈશાખ મહિનાનાં સુદ પક્ષની ચૌદશ તિથિએ ભગવાન નૃસિંહ પ્રકટ થયાં હતાં. રાજા હિરણ્યકશીપુનો પુત્ર ભક્ત પ્રહ્લાદ, વિષ્ણુ ભક્ત હતો અને તે બધામાં શ્રી વિષ્ણુને જોતો હતો. રાજા હિરણ્યકશીપુએ પોતાના પુત્રને મારવા અને તેનો અંત લાવવા અનેકવિધ પ્રયાસો કર્યા પરંતુ વિષ્ણુભક્તને ભગવાન વિષ્ણુએ બચાવી લીધેલો.

હિરણ્યકશીપુ ભગવાન વિષ્ણુને પોતાના દુશ્મન માનતો હતો. હિરણ્યકશીપુએ પોતે એક વરદાન માગી લીધેલું કે મને કોઈ નર મારી શકે નહીં. હું દિવસે ન મરું કે રાત્રે ન મરું, હું બહાર ન મરૂ કે અંદર ન મરૂં. ભગવાન વિષ્ણુનાં દશ અવતારમાં ચોથો અવતાર નૃસિંહ અવતાર તરીકે ખ્યાતિ પામ્યો. અર્ધું નરનું તથા અર્ધુ સિંહનું સ્વરૂપ ધારણ કરી સાક્ષાત વિષ્ણુ નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયાં હતાં.

વૈશાખ સુદ પૂનમ ખાસ મહત્વની ગણાય છે. દેવતાઓ અને રાક્ષસોનાં સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કાચબાનું સ્વરૂપ ધારણ કરીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર રાખ્યો હતો. ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર લઈને સૃષ્ટિને આગળ વધારી હતી. તેમના એક હજાર માથા અને બે હજાર આંખ હતી. તેમણે પોતાની શક્તિથી સૃષ્ટિની રક્ષા કરી હતી. આ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર હતો.

વૈશાખ વદ પડવોએ નારદ જયંતિ મનાવાય છે. નારદમુનિ એ ત્રણેય લોકોમાં સંવાદનાં માધ્યમ બનતા હતા. ઋષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુનાં અનન્ય ભક્ત અને પરમ પિતા બ્રહ્માજીનાં માનસ સંતાન કહેવાય છે. નારદ મુનિ પ્રકાંડ વિદ્વાન્ન હતાં. તેઓ દરેક સમયે નારાયણ-નારાયણનો જાપ કરતા હતાં.

વૈશાખ વદ અગિયારસ જે અપરા એકાદશી કહેવાય છે. આ એકાદશીનાં દિવસે ભગવાનને કાકડી ઘરાવાનો સવિશેષ મહિમા છે. અપરા એકાદશીનાં મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે. આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની કહેવામાં આવે છે. આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે.

અને અંતમાં વૈશાખ વદ અમાસે શનિ જયંતિ ઉજવાય છે. હિંદુ માન્યતાઓ અનુસાર શનિ દેવને ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. સૂર્યદેવનાં પુત્ર શનિદેવનો જન્મ વ્યક્તિના કાર્યોને માપી અને તે અનુસાર સુખ કે દુઃખ આપવા માટે થયો છે. શનિદેવને તમામ નવ ગ્રહોમાંથી સૌથી શ્રેષ્ઠ હોવાના ભગવાન શિવ તરફથી આશિર્વાદ મળ્યા છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે પૂજા કરવાથી શનિ દેવ ખરાબ નજરથી બચાવે છે અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.

આ આખોય વૈશાખ મહિનો ધાર્મિક રીતે આપ સહુને ફળે એવી મારી અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ..!!

- વૈભવી જોશી

Related Posts

Top News

દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા...
Gujarat 
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
Copyright (c) Khabarchhe All Rights Reserved.