- National
- 'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે 'કોઈ મુસ્લિમ અહીં ટ્રેંનીંગ આપવા કે લેવા આવશે નહીં.' આ દરમિયાન, બજરંગ દળના કાર્યકરો સોમવાર, 2 જૂને શહેરના જીમમાં તપાસ માટે પહોંચ્યા છે. તેઓ કહે છે કે, કોઈ પણ જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ ન હોવા જોઈએ.
મીડિયા સૂત્રના અહેવાલ અનુસાર, બજરંગ દળના કાર્યકરો અયોધ્યા નગર અને મીનલ વિસ્તારના જીમમાં પહોંચ્યા. તેઓએ ત્યાં પ્રવેશ કરીને અને રજિસ્ટર તપાસ્યું. તેઓએ મુસ્લિમ ટ્રેનર્સને જીમમાં ન બોલાવવાની ધમકી આપી છે. બજરંગ દળનો આરોપ છે કે, વ્યક્તિગત ટ્રેંનીંગના નામે, મુસ્લિમ જીમ ટ્રેનર્સ હિન્દુ છોકરીઓની નજીક જાય છે. પછી તેઓ 'લવ જેહાદ' કરે છે.

વાઈરલ વીડિયોમાં ભોપાલના સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્મા વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. વીડિયોમાં, SI દિનેશ જીમ માલિકોને મુસ્લિમ ટ્રેનર્સ અને તાલીમાર્થીઓના જીમમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપતા જોઈ શકાય છે.
ભોપાલના સાંસદ અને BJPના નેતા આલોક શર્માએ પણ SIના નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવા જીમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં મુસ્લિમો ટ્રેંનીંગ આપી રહ્યા છે. તે પોલીસને આપવામાં આવશે અને કાયદો તેનું કામ કરશે.

અહેવાલ મુજબ, આ નિવેદન થોડા દિવસો પહેલા આપવામાં આવ્યું હતું. જ્યારે બજરંગ દળના સભ્યોએ ભોપાલના અયોધ્યા નગર વિસ્તારમાં એક જીમની મુલાકાત લીધી હતી. તેમણે જીમમાં મુસ્લિમ ટ્રેનર્સની હાજરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તણાવ ઓછો કરવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. આ દરમિયાન SI દિનેશે આ વાત કહી હતી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, વીડિયો વાયરલ થયા બાદ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાની નોંધ લીધી. તેમણે સબ-ઇન્સ્પેક્ટર સામે આંતરિક તપાસ શરૂ કરી. અહેવાલો સૂચવે છે કે, આ સમગ્ર મામલો ઇન્દોરમાં શૂટિંગ એકેડેમીના સંચાલક મોહસીન ખાનની ધરપકડ પછી શરૂ થયો હતો.

મોહસીન પર હિન્દુ છોકરીઓના શારીરિક હેરાનગતિ અને જાતીય શોષણનો આરોપ છે. આ ઉપરાંત, ઇન્દોરમાં જ, એક મુસ્લિમ જીમ ટ્રેનર વિરુદ્ધ પરિણીત મહિલા સાથે શારીરિક સબંધ રાખવા અને પોતાની ઓળખ છુપાવીને એક યુવતીની સાથે મિત્રતા વધારવાનો કેસ નોંધવામાં આવ્યો છે.