- Business
- શું ચાંદીનો ભાવ 2 લાખને પાર કરી જશે? શું કહે એક્સપર્ટ્સ
શું ચાંદીનો ભાવ 2 લાખને પાર કરી જશે? શું કહે એક્સપર્ટ્સ
હાલમાં સોના સાથે ચાંદીના પણ ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું ભલે મોંઘુ છે, પરંતુ ચાંદી પણ કાઈ પાછળ નથી. ચાલું વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ લગભગ 30% રિટર્ન આપ્યું છે. એક્સપર્ટ્સના મતે, ચાંદીના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે, તે જોતાં શક્ય છે કે ટૂંક સમયમાં તેનું મૂલ્ય 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય.
ચાંદીનો ઉપયોગ ભારતમાં ફક્ત ઘરેણાં પૂરતો સીમિત નથી. મંદિરોમાં ચડાવા સિવાય ઉદ્યોગો અને અનેક ક્ષેત્રોમાં પણ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. આ વધતી માંગના કારણે તેના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.
ચાંદીના ભાવમાં તેજી
CA નિતિન કૌશિકના જણાવ્યા મુજબ, ચાંદી ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. હાલમાં ભારતમાં તેનો ભાવ લગભગ 1.11 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. 2025 દરમિયાન જ ચાંદીના ભાવમાં લગભગ 30% જેટલો વધારો નોંધાયો છે.
ચાંદીની કેમ વધી રહી છે માંગ?
ચાંદીની માંગ વધવાનું મુખ્ય કારણ એ છે કે તેનો ઉપયોગ વિવિધ અદ્યતન ઉદ્યોગોમાં થાય છે — જેમ કે સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EVs), 5G ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને મેડિકલ ડિવાઇસ.

ઉપરાંત, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં રોકાણકારો ચાંદીને સુરક્ષિત વિકલ્પ માની તેમાં રોકાણ કરે છે. બીજી તરફ, તેની સપ્લાય મર્યાદિત હોવાથી માંગ અને ભાવમાં વધુ વધારો જોવા મળે છે.
એક્સપર્ટ્સ શું કહે છે?
એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી 12–24 મહિનામાં ચાંદીના ભાવમાં 15% થી 20% સુધીનો વધારો થઈ શકે છે. નિતિન કૌશિક કહે છે કે, જો હાલના ટ્રેન્ડ ચાલુ રહેશે, તો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવું અશક્ય નથી. લાંબા ગાળાના રોકાણકારો માટે ચાંદી એક યોગ્ય વિકલ્પ બની શકે છે, ખાસ કરીને તેઓ માટે જે થોડું જોખમ લેવાની તૈયારી ધરાવે છે.
તાજેતરનો ઘટાડો
તેમ છતાં, આ અઠવાડિયે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, ચાંદીનો ભાવ 1,027 રૂપિયા ઘટીને 1,13,906 રૂપિયા પ્રતિ કિલો રહ્યો, જે અગાઉ 1,14,933 રૂપિયા હતો. જો કે, તે હજુ પણ તેના ઉચ્ચતમ સ્તરની નજીક છે. ખાસ કરીને, 7 ઓગસ્ટે ચાંદીએ 1,15,250 રૂપિયા પ્રતિ કિલોનો ઓલ-ટાઈમ હાઈ બનાવ્યો હતો.

