- Business
- ભારત પાસે 700 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ, છતા પૂર્વ CEA અરવિંદ સુબ્રમણ્યન કેમ ચિંતિત છે?
ભારત પાસે 700 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ, છતા પૂર્વ CEA અરવિંદ સુબ્રમણ્યન કેમ ચિંતિત છે?
ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) અરવિંદ સુબ્રમણ્યને ચેતવણી આપી છે કે ભારત સમક્ષ હાલનો આર્થિક પડકાર વિદેશી હૂંડિયામણ નું સંકટ નથી, પરંતુ પરવડે તેવા ભાવ અને આજીવિકાનું સંકટ છે. જો ઇરાન યુદ્ધ લાંબુ ચાલશે તો આ સ્થિતિ વધુ વણસી શકે છે.
અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા ભાવોને કારણે વર્તમાન ઉર્જા સંકટ અત્યારથી જ સામાન્ય પરિવારો અને લોકોની આજીવિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. 'ઇન્ડિયા ટુડે' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આ કોઈ વિદેશી હૂંડિયામણનું સંકટ નથી, કારણ કે આપણી પાસે $700 અબજનું મજબૂત અનામત ભંડોળ છે. એવું નથી કે આપણે વસ્તુઓ ખરીદી શકીએ તેમ નથી. આ વાસ્તવમાં મોંઘવારી અને આજીવિકાનું સંકટ છે, કારણ કે કિંમતો વધવાની છે અને તેની સીધી અસર લોકોની રોજીરોટી પર પડવાની છે.
પૂર્વ CEA એ ઉમેર્યું હતું કે આ કટોકટી કેટલો સમય ચાલશે તેનો મોટો આધાર યુદ્ધ કેટલું ખેંચાય છે અને હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધો ક્યાં સુધી ચાલુ રહે છે તેના પર છે. તેમણે કહ્યું, જો આ માર્ગ ઝડપથી ખુલી પણ જાય, તો પણ વૈશ્વિક બજારમાં સપ્લાય સામાન્ય થતાં લોકોની ધારણા કરતાં વધુ સમય લાગશે, કારણ કે બજારમાં ફરીથી પુરવઠો સરળતાથી લાવી શકાતો નથી.

ડૉ. સુબ્રમણ્યનના મતે નીતિઘડવૈયાઓએ વિદેશી મૂડી આકર્ષવા પર ઓછું અને વધતી ઉર્જા કિંમતોનો બોજ સમાજના વિવિધ વર્ગો વચ્ચે કેવી રીતે વહેંચાય છે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ. મુખ્ય પડકાર એ છે કે આ કટોકટીનો બોજ સમાજના તમામ વર્ગો વચ્ચે ન્યાયી અને સમાન રીતે કેવી રીતે વહેંચવામાં આવે. આ નીતિ અને શાસન નો પડકાર છે. પડકાર એ નથી કે આપણે વિદેશથી પૈસા પાછા કેવી રીતે લાવવા અથવા મૂડી આકર્ષવા માટે વ્યાજ દરો કેવી રીતે વધારવા.
પશ્ચિમ એશિયાના સંઘર્ષ બાદ ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે ભારત પર રૂપિયાના અવમૂલ્યનનું દબાણ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા નાણાં પાછા ખેંચવા અને ઊંચા આયાત બિલ જેવી સમસ્યાઓ વધી છે. પરંતુ અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિએ ભારતના ગ્રોથ મોડલની નબળાઈઓ પણ છતી કરી છે. તેમણે કહ્યું, અહીં એક મધ્યમ ગાળાનો પડકાર પણ છે જે ભારતના મૂળભૂત વિકાસ અને ગ્રોથ મોડલ સાથે જોડાયેલો છે. શું આ મોડલ લોકોને નોકરીઓ આપી રહ્યું છે? શું તે આર્થિક વૃદ્ધિ લાવી રહ્યું છે? શું તે લાંબા ગાળા માટે ટકાઉ છે?
પૂર્વ CEA એ બિનજરૂરી પ્રવાસ અને વપરાશ ઘટાડવા સહિત સ્વૈચ્છિક કર્કસર અપનાવવાની સરકારની શરૂઆતની અપીલને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું, ટૂંકા ગાળા માટે ખાનગી સ્તરે કર્કસર કરવાની સલાહ આપવી એ એક સારી શરૂઆત છે. પરંતુ સાથે જ તેમણે ઉમેર્યું કે આ પગલું આર્થિક બોજની વાસ્તવિક વહેંચણીનો વિકલ્પ બની શકે નહીં.
તેમણે અભિપ્રાય આપ્યો કે રૂપિયાના મૂલ્ય પર અતિશય ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની સાથે ખોટી પ્રતિષ્ઠા જોડવાને કારણે સરકારનું ધ્યાન જે જરૂરી કામો કરવાના છે તેના પરથી ભટકી ગયું છે. કેટલીક વસ્તુઓના ભાવ વધવા જ જોઈએ. સમાજના ગરીબ વર્ગો પર આ બોજ મર્યાદિત હોવો જોઈએ, અને અમુક અંશે એક્સચેન્જ રેટ (રૂપિયાનું મૂલ્ય) ઘટવો જોઈએ તથા કિંમતો વધવી જોઈએ, કારણ કે તે આ આર્થિક એડજસ્ટમેન્ટનો જ એક ભાગ છે.
અર્થશાસ્ત્રીએ વડાપ્રધાનની વિદેશ પ્રવાસ ઘટાડવાની હાકલને પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, જો એક્સચેન્જ રેટ ઘટશે (રૂપિયો નબળો પડશે), તો વિદેશ પ્રવાસ મોંઘો થશે. મધ્યમ વર્ગ માટે તેમના બાળકોને શિક્ષણ માટે વિદેશ મોકલવાનું વધુ ખર્ચાળ બનશે. આ જરૂરી પણ છે અને યોગ્ય પણ છે.
તે જ સમયે તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર આ અસરને હળવી નહીં કરે, તો ઈંધણ, ગેસ અને ખાતરના વધતા ભાવ ગરીબ પરિવારો અને ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડશે. સમસ્યા એ છે કે ગરીબ લોકો અને ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતી ઊર્જા - જેમ કે ખાતર, પેટ્રોલિયમ અને ગેસના ભાવ વધી રહ્યા છે. જો આપણે આ ભાવવધારો રોકી ન શકીએ, તો આપણે તેનો કોઈ રસ્તો શોધવો જ પડશે.
તેમણે એ વાત પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે ભારતના ઊંચા આર્થિક વિકાસ દરના અનુમાનો છતાં ખાનગી રોકાણ અને વિદેશી મૂડીનો પ્રવાહ કેમ નબળો રહ્યો છે?
તેમણે જણાવ્યું, યુદ્ધ શરૂ થયું તેના અગાઉના વર્ષમાં રૂપિયાના મૂલ્યમાં મોટો ઘટાડો થયો હતો અને તે સૌથી નબળો દેખાવ કરનારા ચલણોમાં સામેલ હતો. જો ભારત રોકાણ માટે આટલું શ્રેષ્ઠ સ્થાન હોય અને દેશ 7.5% થી 8% ના દરે વૃદ્ધિ કરી રહ્યો હોય, તો લોકો અહીં રોકાણ કેમ નથી કરી રહ્યા?
અર્થશાસ્ત્રીએ આ સ્થિતિને વિચિત્ર ગણાવી હતી કે જ્યાં એક તરફ ભારત મજબૂત આર્થિક વૃદ્ધિનો અંદાજ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અને ખાનગી રોકાણ સુસ્ત છે. તેમણે ખાનગી રોકાણને પુનર્જીવિત કરવા અને નિકાસ ક્ષમતા સુધારવા માટે મિશન મોડ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ખાનગી રોકાણને કેવી રીતે વેગ આપશે, ત્યારે પૂર્વ CEA એ કહ્યું કે આ બાબત એની સાથે વધુ જોડાયેલી છે કે સરકારે 'શું ન કરવું જોઈએ'. તમારે રોકાણકારો સહિત વિવિધ લોકોને હેરાન કરવા માટે સરકારી તંત્રનો હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. તમારે વ્યાપક સ્તરે માત્ર કેટલાક ચોક્કસ જૂથોને જ અન્યોની સરખામણીએ પ્રાધાન્ય આપવું જોઈએ નહીં; નિર્ણય લેવાની પ્રક્રિયામાં તમારે દરેકને સાથે લઈને ચાલવું પડશે.
તેમણે ઉમેર્યું, ખાનગી રોકાણને આકર્ષવા માટે શું કરવું તેના જેટલું જ શું 'ન કરવું' તે જાણવું પણ મહત્વનું છે. આપણે એવા રાજ્યોમાંથી શીખવું જોઈએ જે ખાનગી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યા છે. દક્ષિણના રાજ્યોએ ચીનમાંથી ઘણું રોકાણ આકર્ષ્યું છે. ચાલો જોઈએ કે તેઓ શું સાચું કરી રહ્યા છે.
સ્થિતિ સુધરતા પહેલા શું વધુ બગડશે? તેવા સવાલના જવાબમાં સુબ્રમણ્યને જણાવ્યું કે સરકારે ઓછામાં ઓછું પરિસ્થિતિ વધુ ખરાબ થાય તે માટે તૈયાર રહેવું પડશે. આનું કારણ આંશિક રીતે યુદ્ધ તો છે જ, પરંતુ સાથે સાથે કૃષિ ક્ષેત્રને લઈને પણ ચિંતા સેવાઈ રહી છે.

