- Business
- શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી
ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની અંબાણી વિરુદ્ધ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી છે. આ નિર્ણયથી અંબાણી વિરુદ્ધ નાદારીની પ્રક્રિયાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

જોકે, NCLTના નિર્ણય પછી, અનિલ અંબાણીએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ આ આદેશને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં પડકારશે. જો અનિલ અંબાણીનો નાદારીનો કેસ આગળ વધે છે, તો એક રિઝોલ્યુશન પ્રોફેશનલ (RP)ની નિમણૂક થઈ શકે છે, જે કાયદા હેઠળ તેમની વ્યક્તિગત સંપત્તિનું મૂલ્યાંકન અને નિયંત્રણ લેવાની પ્રક્રિયા શરૂ કરશે.
આ કેસમાં આશરે રૂ. 1200 કરોડની વસૂલાતનો સમાવેશ થાય છે. SBIનો દાવો છે કે, અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને આપવામાં આવેલી લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. કંપનીઓએ તેમની લોન ન ચૂકવી હોવાથી, બેંકે ગેરંટીના આધારે વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી.

અનિલ અંબાણીએ આ સમગ્ર મુદ્દા પર એક નિવેદન બહાર પાડ્યું છે. આ કેસ 2016નો છે અને કથિત રીતે આપવામાં આવેલી વિવાદિત વ્યક્તિગત ગેરંટી સાથે સંબંધિત છે. અંબાણી પક્ષનો દાવો છે કે તેમને આ ભંડોળમાંથી કોઈ વ્યક્તિગત લાભ મળ્યો નથી. આ કેસ એવા સમયનો છે, જ્યારે ભારતમાં વ્યક્તિગત નાદારીની જોગવાઈઓ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી ન હતી. અંબાણીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિગતવાર NCLTનો આદેશ પ્રાપ્ત થયા પછી, તેમની કાનૂની ટીમ તેનો અભ્યાસ કરશે અને ઉપલબ્ધ કાનૂની વિકલ્પો હેઠળ યોગ્ય ફોરમ પર તેને પડકારશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અંબાણી ન્યાયિક ફોરમમાં સફળતાપૂર્વક પોતાની સ્થિતિ સાબિત કરશે.
આ દરમિયાન, મુંબઈની એક ખાસ કોર્ટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ ઝુનઝુનવાલાને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સંકળાયેલા કથિત બેંક છેતરપિંડીના કેસમાં CBI કસ્ટડીમાં મોકલ્યા છે. ઝુનઝુનવાલા આ અગાઉ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફરિયાદના આધારે દાખલ કરાયેલા એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા.

આ કેસમાં કંપની પર રૂ. 2,929.05 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. CBIના જણાવ્યા અનુસાર, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ, તેના ડિરેક્ટરો અને અજાણ્યા સરકારી અધિકારીઓએ મળીને 31 બેંકો અને નાણાકીય સંસ્થાઓના એક કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્યું હતું, આ સમૂહમાંથી કંપનીએ આશરે રૂ. 9,280 કરોડની લોન લીધી હતી.

