- Business
- કેસ પરત લો અથવા દંડ ભરવા તૈયાર થઈ જાવ, રામદેવની પતંજલિ પર કેમ રોષે ભરાઇ હાઇ કોર્ટ
કેસ પરત લો અથવા દંડ ભરવા તૈયાર થઈ જાવ, રામદેવની પતંજલિ પર કેમ રોષે ભરાઇ હાઇ કોર્ટ
દિલ્હી હાઇકોર્ટે 19 સપ્ટેમ્બરના રોજ યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને પતંજલિ ફૂડ્સ લિમિટેડને આડે હાથ લીધી, જ્યારે ડાબર ઇન્ડિયા સાથે ચ્યવનપ્રાશની જાહેરાતો અંગે ચાલી રહેલા વિવાદમાં કંપની પોતાની અપીલ પર અડગ રહી. પતંજલિ આયુર્વેદે સિંગલ બેન્ચના એ આદેશને પડકારતા અપીલ દાખલ કરી હતી જેમાં તેને પોતાની જાહેરાતોના કેટલાક હિસ્સાને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કથિત રીતે પતંજલિએ તે જાહેરાતોમાં ડાબર અને અન્ય હરીફ કંપનીઓના ચ્યવનપ્રાશ ઉત્પાદનો પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.
ન્યાયાધીશ હરિ શંકર અને ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે પતંજલિને કહ્યું કે, અથવા તો અપીલ પાછી ખેંચી લો અથવા દંડ ભરવા માટે તૈયાર થઈ જાવ. કોર્ટે કડક સ્વરે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તે પોતાનો પડકાર પાછો નહીં ખેંચે તો તેના પર ભારે દંડ ફટકારવામાં આવશે. બેન્ચે કહ્યું કે, આ આદેશ પતંજલિને આખી જાહેરાત હટાવવા નિર્દેશ આપતો નથી, પરંતુ માત્ર તેના કેટલાક ભાગોમાં સંશોધન કરવાનો આદેશ આપ્યો છે જે અન્ય કંપનીઓને અપમાનજનક રીતે ઓછી આંકે છે.
આ વિવાદ ડિસેમ્બર 2024માં શરૂ થયો હતો, જ્યારે ભારતની સૌથી જૂની અને સૌથી મોટી ઉપભોક્તા વસ્તુ કંપનીઓમાંથી એક ડાબરે પતંજલિ ચ્યવનપ્રાશની જાહેરાત અભિયાન સામે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ડાબરે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે પતંજલિના દાવાઓ ભ્રામક, અપમાનજનક અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા છે.
ડાબરના આરોપો શું છે?
દાયકાઓથી ચ્યવનપ્રાશનું માર્કેટિંગ કરી રહેલા ડાબરે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે પતંજલિની જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેની હરીફ કંપનીના ચ્યવનપ્રાશમાં પારો હોય છે અને એટલે તે બાળકો માટે અસુરક્ષિત છે. કંપનીએ પતંજલિના દાવાને પણ પડકાર્યો હતો કે તેનું ચ્યવનપ્રાશ 51 ઔષધિઓથી તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે ડાબરના સંસ્કરણમાં માત્ર 40 ઔષધિઓ છે. ડાબરે આરોપ લગાવ્યો હતો કે પતંજલિની ભ્રામક જાહેરાતે દાયકાઓથી પેઢીઓ વચ્ચે બનેલા ગ્રાહકોના વિશ્વાસને નુકસાન પહોંચાડ્યું છે.
જુલાઈ 2025માં ન્યાયાધીશ મિની પુષ્કરણાંની સિંગલ બેન્ચે પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને પતંજલિ ફૂડ્સ લિમિટેડને પતંજલિ સ્પેશિયલ ચ્યવનપ્રાશ માટેની તેમની જાહેરાતોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. પતંજલિએ આ આદેશ સામે ડબલ બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, પતંજલિનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ વકીલ જયંત મહેતાએ બેન્ચના કડક વલણને જોતા આગળની કાર્યવાહી બાબતે નિર્દેશ લેવા માટે સમય માગ્યો હતો. ત્યારબાદ કોર્ટે સુનાવણી મંગળવાર 23 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી.
જોકે, સુનાવણી દરમિયાન યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા સહ-સ્થાપિત પતંજલિએ પોતાના અભિયાનનો બચાવ કરતા તેને કાયદેસર સ્વ-પ્રમોશન ગણાવ્યું. કંપનીએ કહ્યું કે તેની જાહેરાતોમાં ડાબરનું નામ લેવામાં આવ્યું નથી અને ન તો કોઈ સીધી તુલના કરવામાં આવી છે. કંપનીએ દલીલ કરી હતી કે વિવાદિત નિવેદન પ્રોડક્ટ લેબલ સહિત સાર્વજનિક જાણકારી પર આધારિત છે અને એટલે તેને ભ્રામક ન ગણી શકાય પરંતુ બેન્ચે તેમની વાત એક ન સાંભળી.

