- Business
- SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં લોકોનું બચતનું વલણ હવે ઝડપથી બેન્ક ડિપોઝિટથી હટીને માર્કેટ લિંક્ડ રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યું છે. તેમના મતે, લોકો હવે બેન્ક ડિપોઝિટને બદલે મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને પેન્શન ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે આ પરિવર્તનને એક પ્રકારે કાયમી ગણાવ્યું, જે હવે પાછું ન થાય તેવું લાગે છે.
બેન્ક માટે કયા પડકારો છે?
SBIના ચેરમેનના મતે, પહેલા ભારતીય પરિવારો તેમની મોટાભાગની બચત બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ, બચત ખાતા અને પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રાખતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. લોકો વધુ સારા વળતરની શોધમાં મ્યૂચ્યુઅલ ફંડ, વીમા, પેન્શન ફંડ અને અન્ય બજાર-આધારિત ઉત્પાદનો તરફ વળી રહ્યા છે. નાણાકીય બજારોની ઊંડાઈ, રોકાણો સાથે જોડાયેલી જાગૃતિ અને ડિજિટલ પ્લેટફોર્મની સરળ પહોંચે આ પરિવર્તનને વેગ આપ્યો છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘આ વલણ માત્ર કામચલાઉ નથી, પરંતુ એક માળખાકીય પરિવર્તન છે જેને બેન્કોએ સ્વીકારવું પડશે. આ કારણે આગામી સમયમાં, બેન્કોએ તેમની ફન્ડિંગ રણનીતિમાં મોટા ફેરફારો કરવા પડશે. હવે બેન્કો માત્ર પરંપરાગત થાપણોના ભરોસે પોતાની બેલેન્સ શીટ નહીં ચલાવી શકે.
બેન્કો પાસે હવે કયા વિકલ્પો છે?
તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં, બેન્કોએ કેપિટલ માર્કેટથી ફંડ એકત્ર કરવા બોન્ડ, ડિબેન્ચર અને અન્ય બજાર-આધારિત સાધનોનો વધુ ઉપયોગ કરવો પડશે. આ મોડેલ વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમને અનુરૂપ છે, જ્યાં બેન્કો થાપણો સાથે-સાથે બજારમાંથી મૂડી એકત્ર કરે છે. આ પરિવર્તનની અસર બેંકિંગ ક્ષેત્રની લેંડિંગ રણનીતિ, વ્યાજ દરો અને માર્જિન પર પણ જોવા મળી શકે છે. થાપણ વૃદ્ધિ ધીમી રહેવાની સ્થિતિમાં, બેન્કોએ તેમના સંસાધનોનું વધુ સારી રીતે સંચાલન કરવું પડશે.
દાવોસમાં ચર્ચા દરમિયાન, SBI ચેરમેને એમ પણ કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતા, ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. સરકાર દ્વારા ફિસ્કલ અનુશાસાન,ઇન્ફ્રાસ્ટ્રકચર પર રોકાણ અને વેપાર કરારોએ અર્થતંત્રને સહારો આપ્યો છે.

