- Central Gujarat
- કાલોલમાં ટોળાનો સામનો કરવા પોલીસે માથા પર તપેલી હાથમાં બેડું ઉઠાવ્યું, જુઓ Photo
કાલોલમાં ટોળાનો સામનો કરવા પોલીસે માથા પર તપેલી હાથમાં બેડું ઉઠાવ્યું, જુઓ Photo
કાલોક પોલીસે મારમારીની ઘટનામાં એક આરોપીની ધરપડક કરતા કેટલાક લોકોનું ટોળું એકઠું થઇને કાલોલ પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે દ્વારા આ બાબતે વળતી કાર્યવાહી કરવામાં આવતા ટોળું ભાગ્યું હતું અને બજારમાં દુકાનોની બહાર પડેલા સામાનને પણ નુકશાન પહોંચાડ્યું હતું. બેકાબુ બનેલા અસામાજિક તત્ત્વોએ બાઈકમાં આગ ચાંપી કરી હતી અને કેટલાક વાહનોના કાંચ પણ તોડી નાંખ્યા હતા.

આ આખી ઘટના મારમારીની ઘટનાને કારણે બની હતી. કાલોલના બોરુ ગામમાં શુક્રવારના રોજ દૂધની ડેરી પર દૂધ ભરવા બાબતે બે યુવકો વચ્ચે મારામારી થઇ હતી અને તેમાં એક યુવક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામ આવી હતી. જ્યારે પોલીસે મારમારીની ઘટનામાં એક યુવકની ધરપડક કરી ત્યારબાદ આ ઘટના બની હતી.

આ પથ્થરમારાની ઘટનામાં 2 PI સહિત કુલ 4 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસની વળતી કાર્યવાહી પછી ટોળા દ્વારા રસ્તા પર ઉતરીને રસ્તા પરથી પસાર થતા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ SRPની ત્રણ પ્લાટુન સાથે કાલોલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

આ ઘટનામાં મહત્ત્વની વાત એ છે કે, ટોળામાં 100 કરતા વધુ લોકોએ પોલીસ અને વાહનોને ટાર્ગેટ બનાવ્યા હતા. ટોળા દ્વારા કાલોલની બજારોમાં આવતી દુકાનોમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારો કરી રહેલા ઇસમો એટલા જનુની બન્યા હતા કે પોલીસને પણ ક્યાંક પાછી પાની કરવી પડી હતી. તો કેલાક પોલીસકર્મીઓને હેલમેટની જગ્યા પર ડોલ કે પછી તપેલીનો સહારો લીધો હતો. એક પોલીસકર્મીના હાથમાં સ્ટીલનો ઘડો પણ જોવા મળ્યો હતો. 2 વાગ્યા આસપાસ બનેલી આ ઘટના શાંત પડતા ફરીથી પથ્થરમારો કરનારાઓએ સાંજે 6 વાગ્યા આસપાસ અલીન્દ્રા ચોકડી પર પહોંચીને પથ્થરમારો કર્યો હતો. આ બાબતે પોલીસને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસને જોઈને પથ્થરમારો કરી રહેલા ઇસમો ભાગવા લાગ્યા હતા.

આ બાબતે પોલીસ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને પથ્થરમારો કરનારા લોકોના 30થી વધુ વાહનો કબજે કરવામાં આવ્યા છે અને 100 કરતા વધારે લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તો બીજી તરફ CCTV ફૂટેજના આધારે વિસ્તારને કોર્ડન કરીને પથ્થરમારો કરનારાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 1000થી 1500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત 104 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકોમાં 87 પુરુષ અને 17 મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસને ટોળાને કાબુમાં લેવા માટે ઘટના સમયે 98 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

