- Governance
- સુરત જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય
સુરત જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય
વર્ષ 2019-20 દરમિયાન જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અનેક ખેડૂતોને કૃષિ સહાય યોજનાઓ થકી લાભાન્વિત કરી ખેતીને વધુ સમૃદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને માતબર અને ઉપયોગી સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્ષ 2019-20 દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ 1033ર ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ટ્રેક્ટર ખરીદીમાં 563 ખેડૂતોને રૂ.298.95 લાખની સહાય તેમજ ફાર્મ મિકેનાઇઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે રોટાવેટર, કલ્ટીવેટર, પાવરટીલર, ઓલટાઇપ પ્લાઉ, ઓટોમેટિક ઓરણી, લેસર લેન્ડ લેવલર, લેન્ડ લેવલર, ઓલટાઇપ હેરો, રિપર, શ્રેડર, તાડપત્રી અને બ્રશકટર જેવા સાધનોમાં કુલ 1940 લાભાર્થીઓને કુલ રૂ. 331.49 લાખની સહાય ચુકવવામાં આવી છે.
સિંચાઈ માટેના સાધનો જેવા કે, ખુલ્લી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને પમ્પસેટમાં કુલ 910 લાભાર્થીઓને કુલ રૂ. 118.15 લાખની સહાય ચુકવવામાં આવી છે. પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનોમાં કુલ 767 લાભાર્થીઓને કુલ રૂ. 15.59 લાખની સહાય અને સ્ટોરેજ યુનિટ ઘટક હેઠળ કુલ 6 લાભાર્થીઓને રૂ.12 લાખની સહાય યુકવવામાં આવી છે. આધુનિક ખેતપધ્ધતિ અંગેના નિદર્શન ઘટક હેઠળ કુલ 4087 લાભાર્થીઓને રૂ. 136.50 લાખ અને સજીવ ખેતીમાં રજિસ્ટ્રેશન અને ઈનપુટ ઘટક હેઠળ કુલ 196 લાભાર્થીઓને રૂ. 8.03 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થી ખેડૂતોને શેરડી પાકના વાવેતર પર સહાયની યોજના હેઠળ કુલ 1780 લાભાર્થીઓને રૂ.144.12 લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ વર્ષ 2019-20 દરમ્યાન અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતોને શેરડી પાકના વાવેતર, શેરડી પાકમાં સિંગલ આઈબડ, ટપક પદ્ધતિ, જનરેટર અને પાક સંરક્ષણ સાધનની યોજનાઓ માટે કુલ 1748 લાભાર્થીઓને રૂ. 120.07 લાખની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ 2019 દરમ્યાન અતિવૃષ્ટિ/કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજ અંતર્ગત સુરત જિલ્લામાં કુલ 65,334 ખેડૂત લાભાર્થીઓને કુલ રૂ.63 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
વર્ષ 2019-20 દરમ્યાન જી.જી.આર.સી. (ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની) દ્વારા અમલીકૃત માઈક્રો ઇરિગેશન સિસ્ટમ (ડ્રીપ અને સ્પ્રિંકલર) યોજનામાં સુરત જિલ્લામાં 1174 ખેડૂતોને 1786.25 હેક્ટર વિસ્તાર માટે રૂ. 8.85 કરોડની સહાય ચૂકવાઈ છે.

