- Gujarat
- વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...
વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...
‘કહેવાય છે ને પ્રેમ તો આંધળો હોય છે, ગમે તેની સાથે ગમે ત્યારે થઈ શકે છે’, પરંતુ આજ પ્રેમ ક્યારેક એટલો બધો આંધળો થઈ જતો હોય છે કે લોકોને ન કરવાનું કરાવી નાખે છે. લોકો પ્રેમમાં પોતાની પ્રતિષ્ઠાનો પણ ખ્યાલ રાખતા નથી. આવો જ કંઈક મામલો સામે આવ્યો છે વડોદરાથી, જ્યાં એક 16 વર્ષીય સગીરાએ પોતાના પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો હતો.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની રાત્રે 16 વર્ષીય સગીરા પ્રેમીને મળવા ગઈ હતી, પરંતુ તે ન મળતા રોડ પર જ બબાલ કરી દીધી. તેણે પ્રેમીને મળવા માટે ભારે ધમપછાડા કર્યા. પોલીસ વાન પર ચઢી ગઈ હતી અને ભારે બબાલ કરી હતી. બાદમાં પોલીસ જેમ-તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. યુવતીએ પોલીસ વાન ચઢીને કહ્યું હતું કે, ‘મારી સાથે 3 વખત આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે.’
મળતી માહિતી મુજબ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં સગીરા તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રેમી ન મળતા તેણે અહીં બબાલ કરી હતી. તેને લઈને સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇમરજન્સી હેલ્પલાઇન 112ની વાન પણ તાત્કાલિક આવી પહોંચી હતી. સગીરા ગુસ્સામાં પોલીસ વાન પર ચઢી ગઈ હતી અને ભારે ધમપછાડા કર્યા હતા.
આ દરમિયાન સગીરા કહે છે કે, આપ લોકોને પૈસા આપ્યા છે! તમે મને અંદર ચઢાવો છો, મને વાંધો નથી. તો સામેની વ્યક્તિ કહે અમે તને ચઢાવતા નથી, તું ગાડી નીચે ઉતરી જા. અમારી ગાડી પરથી નીચે ઊતરી જા. તો યુવતી કહે છે, મારી સાથે આવું 3 વખત થયું છે ભાઈ! મારો ફોન લાવ. લાવ તારો ફોન લાવ, મારી સાથે 3 વાર આવું થયું છે. આ સમયે યુવતી બૂમો પાડી પાડે છે અને રડવા લાગે છે. આ દરમિયાન સગીરાને ગાડી પરથી ઉતારવા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ યુવતી ઉતરવાની ના પાડે છે. પરિસ્થિતિ ગંભીર બનતા અન્ય લોકો પણ વચ્ચે પડે છે.
એક વ્યક્તિ સગીરાનો હાથ પકડતા સગીરા ગુસ્સે થઈ જાય છે અને એય...કહીને બૂમો પાડવા લાગે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે ઉતર નહીં તો લાફો મારીશ, જેથી સગીરા કહે છે કે નહીં ઉતરું શું કરીશ? ત્યારબાદ તે વ્યક્તિ સગીરાને પકડીને નીચે ઉતારે છે. એક મહિલા સગીરાને લાફો મારે છે, જેથી સગીરા કહે છે કે, હું શા માટે ઉતરું, મને દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે.
બાદમાં સગીરાને સમજાવીને પોલીસ સુરક્ષિત રીતે માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે સગીરાના માતા-પિતાને બોલાવીને તેમની હાજરીમાં સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના PI એલ. ડી. ગમારાએ જણાવ્યું હતું કે, સગીરાના માતા-પિતાને બોલાવીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

