- Gujarat
- કચ્છમાં જૂના કપડા માગવા આવતા અને પછી ચોરી કરી ભાગતા 2 સગા ભાઇ પકડાયા
કચ્છમાં જૂના કપડા માગવા આવતા અને પછી ચોરી કરી ભાગતા 2 સગા ભાઇ પકડાયા
કચ્છમાં જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતા બે સગા ભાઈ પકડાયા છે. આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાંઓમાં જઈને જૂના કપડાં માગીને તેને વેચવાની આડમાં બંધ મકાનોની રેકી કરતા હતા અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પકડાયેલા બંને આરોપી બોટાદના રાણપુરના રહેવાસી છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભુજના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આરોપીઓ ચોરીનો માલ ભુજના મહેશ કેશવજી સોની નામના સોનીને વેચતા હતા. સોનીએ આરોપી દ્વારા ચોરાયેલા ઘરેણાં ખરીદીને તેની લગડી બનાવી આપી હતી. પોલીસે લગડી રીકવર કરી લીધી છે. જોકે, સમગ્ર ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહેશ સોનીને આરોપીના બનાવતાં આશ્ચર્ય ફેલાયો છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, પોલીસે કચ્છના નખત્રાણાના યક્ષ 3 રસ્તા પાસે ઝૂંપડામાં રહેતા 2 સગા ભાઈ પર આશંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં બંને ભાઈઓ પાસે ઘરફોડ માટે વપરાતા ડિસમિસ, ઈલેક્ટ્રિક પકડ, તાળાની ચાવીઓ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા પશ્ચિમ કચ્છના વિવિધ 12 સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું સ્વીકાર્યું હતું.
બંને આરોપીએ કચ્છ-ભુજના વિવિધ 12 સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ગત 15 ઓક્ટોબરના રોજ માનકૂવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભુજ તાલુકાના ગોડપર સરલી ગામે ખીમીબેન મહેશ્વરી નામની મહિલાના બંધ ઘરમાંથી 50 હજારના રોકડ-દાગીનાની ચોરી કર્યા હતા. ભુજના મિરજાપર ગામે રમેશ ભોગીલાલ દરજીના બંધ મકાનમાંથી 39 હજારની રોકડ અને ઘરેણાંની ચોરી મામલે બંને આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ ઉપરાંત મુંદ્રાના મોટી ભુજપુર નજીક જબલપુર વાડી વિસ્તારમાં નારણભાઈ ગાંગીયા (ગઢવી)ના બંધ મકાનના તાળાં તોડી 26 હજારની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.87 લાખની ચોરી કરી હતી. આ મામલે ગત 23 ઓક્ટોબરના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નખત્રાણાના રામેશ્વર વિસ્તારમાં દશરથ દરજીયા નામના યુવકના ઘરમાં 21 સપ્ટેમ્બરના રોજ સોના-ચાંદીના ઘરેણાં મળી 1.20 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હોવા મામલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આમ કચ્છ-ભુજના વિવિધ વિસ્તારોમાં બંને ભાઈઓએ ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી રાજા રમેશભાઈ રાઠોડ (ચિત્રાસણ) અને તેનો નાનો ભાઈ જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો બંને મૂળ બોટાદના રાણપુરના રહેવાસી છે. આરોપી વિરૂદ્ધમાં હળવદ, ભુજ અને હિંમતનગર સહિતા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ધરફોડની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ સાથે અન્ય 6 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં આરોપી રાજાની પત્ની ચમેલી ઉર્ફે મોતી, અજય હિંમતભાઈ વીરા, તેની પત્ની રોમન, ગંજીભાઈ કરમાવત, તેના 2 પુત્રોમાં ધારસિંહ અને નરેશનો સમાવેશ થાય છે.

