- Gujarat
- સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના નિર્માણ સમયે ભારે ભરખમ લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીએ ગુમાવ્યા જીવ
સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના નિર્માણ સમયે ભારે ભરખમ લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીએ ગુમાવ્યા જીવ
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન શનિવારે એક ગોઝારી ઘટના ઘટી હતી. કામરેજ તાલુકાના કઠોર ગામે બદાત ફળિયામાં રહેતો એક વ્યક્તિ, તેની પત્ની અને પુત્રી સાથે સાંજે 4:45 વાગ્યાના અરસામાં નાવ લઈને તાપી નદીમાં માછીમારી કરવા નીકળ્યા હતા. માછીમારી કરવા નીકળેલા આ પરિવારને અંદાજો પણ નહોતો કે બુલેટ ટ્રેન બ્રિજના પિલરના કામકાજ વચ્ચે મોત આ રીતે તરાપ મારશે.
જ્યારે તેઓ નદીમાં બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજના પિલર નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પિલર પરની એક ભારે લોખંડની પ્લેટ હોડી પર પડી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રીના ઘટનાસ્થળે જીવ જતા રહ્યા હતા. જ્યારે સ્થાનિક દ્વારા માતાને બચાવી લેવામાં આવી હતી. પિતા-પુત્રીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોની ઓળખ મોહસીન ઈકબાલ શેખ (ઉંમર 35 વર્ષ, રહે. બદાત ફળિયું, કઠોર.) અને હુમા મોહસીન શેખ (ઉંમર 09 વર્ષ) તરીકે થઈ છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, આજે લગભગ 4:45 કલાકે તાપી નદી પરના બુલેટ ટ્રેન બ્રિજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે એક શ્રમિકને એક મહિલાનો મદદ માટેનો અવાજ સાંભળ્યો હતો. તાત્કાલિક ઘાટનાસ્થળ પર દોડી જતા તેણે જોયું કે એક મહિલા નદીમાં ડૂબી રહી હતી. ત્વરિત કાર્યવાહી કરી શ્રમિકો પૈકીના એકે પાણીમાં ઝંપલાવ્યું અને મહિલાને સફળતાપૂર્વક બચાવી લીધી હતી.
બચાવ કામગીરી દરમિયાન એવી માહિતી મળી હતી કે તે જ હોડીમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ પાણીમાં ફસાયા હતા. આ દરમિયાન સ્થાનિક માછીમારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે તે બંને બચી શક્યા નથી અને તેમણે બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને આ મામલે તપાસ કરી રહી છે. NHSRCL અને તેના કોન્ટ્રાક્ટર ચાલી રહેલી તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપી રહ્યા છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનના PI ડી.યુ. બારડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે કઠોર સિવિલ સેન્ટર ખસેડવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને તેમના નિવેદન પણ લેવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર હોડી પર પડેલી ભારેભરખમ પ્લેટને હટાવવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવશે. નિર્માણ કાર્યમાં સુરક્ષાના અભાવે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા વચ્ચે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી મામલે પણ તપાસ કરવામાં આવશે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

