- Gujarat
- સુરતમાં 17 વર્ષીય પાટીદાર સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર ઝડપાયો
સુરતમાં 17 વર્ષીય પાટીદાર સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર ઝડપાયો
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય યુવક અરવિંદ પંચાસરાની પોલીસે ધરપકડ કરી છે. તે પરણિત છે અને 2 સંતાનોનો પિતા છે. આ કેસમાં પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, પરંતુ તપાસમાં વેગ આવતા અંતે આરોપીને ઝડપી પાડીને જેલ ભેગો કરી દેવાયો છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતથી ભાગ્યા બાદ આરોપી સગીરાને લઈને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છુપાઈને રહેતો હતો. પોલીસ પકડથી બચવા માટે તેણે પોતાની બોલેરો ગાડી અમરેલી મૂકી દીધી હતી અને પછી બસમાં મુસાફરી ફરતો હતો. અરવિંદ પંચાસરા સગીરાને લઈને ભાવનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ફરતો હતો. અરવિંદ પોલીસને ભરમાવવા માટે ખેતર અને વાડી વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો હતો. મુસાફરી અને રોકાણ દરમિયાન આરોપી 17 વર્ષીય સગીરાને પોતાની પત્ની તરીકેની ખોટી ઓળખ બતાવતો હતો, જેથી કોઈને શંકા ન જાય.
આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, તેમ છતા 35 દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. દીકરી ન મળતા અને પોલીસની ધીમી કામગીરીને પગલે પાટીદાર સમાજના અગ્રણીઓ અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો હતો. થોડા દિવસો અગાઉ સમાજના અગ્રણીઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને તાત્કાલિક અસરથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવાવામાં આવતા તપાસ ઝડપી બની હતી. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં તપાસ તેજ કરી દીધી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી પોલીસને સચોટ માહિતી મળી હતી કે આરોપી બોટાદ જિલ્લાના માંડવા ગામની એક વાડીમાં મજૂરી કામ માતાએ રોકાયો છે. સરથાણા પોલીસની એક ટીમ સૌરાષ્ટ્રમાં કાર્યરત હતી તેને એલર્ટ કરી દેવામાં આવી અને સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી અરવિંદ પંચાસરાને સગીરા સાથે સુરક્ષિત રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની બોલેરો પીકઅપ ગાડી પણ જપ્ત કરી છે.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અરવિંદ પંચાસરા તેની વર્તમાન પત્ની સાથે પણ ભાગીને જ પ્રેમ લગ્ન કર્યા હતા. હાલની પત્ની સાથેના લગ્ન પહેલા પણ તે એક અન્ય યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આરોપી પોતે પરણિત છે અને તેને બે સંતાનોનો પિતા છે, છતા તેણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
હાલ સુરત પોલીસે આરોપી અરવિંદ પંચાસરાની અટકાયત કરી છે અને સગીરાનો કબજો મેળવી તેને તેના પરિવારને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ દ્વારા હવે આરોપી અને સગીરા બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવશે. પાટીદાર દીકરી સગીર વયની હોવાથી, અપહરણની કલમો સાથે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાવામાં આવશે. સગીરાનું નિવેદન પણ નોંધવામાં આવશે અને તેના આધારે અન્ય કેટલી કલમોનો ઉમેરો થઈ શકે છે. પોલીસ હવે આ કેસમાં કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવા એકત્ર કરી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામનો રહેવાસી 26 વર્ષીય અરવિંદ પંચાસરા અને ભોગ બનનાર સગીરા એક જ ગામના અને પાડોશમાં રહેતા હતા. નવેમ્બર મહિનામાં સગીરાને તેના સુરત સ્થિત કાકાના ઘરે રહેવા માટે મોકલવામાં આવી હતી. ગત 28 નવેમ્બર 2025ના રોજ આરોપી અરવિંદ પોતાની બોલેરો પિકઅપ ગાડી લઈને સુરત આવ્યો હતો. તેણે સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી હતી અને તેને પોતાની સાથે ભગાડી ગયો હતો.

