- Gujarat
- લોકોએ ખીરું લેવાનું ઓછું કરી દીધું, જાણો ચાંદખેડાની ઘટના બાદ દુકાનદારો શું કહે છે
લોકોએ ખીરું લેવાનું ઓછું કરી દીધું, જાણો ચાંદખેડાની ઘટના બાદ દુકાનદારો શું કહે છે
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ડેરી પરથી લાવવામાં આવેલા ખીરામાંથી ડોસા બનાવીને ખાધા બાદ બે બાળકીઓએ શંકાસ્પદ રીતે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાનું રહસ્ય હજી પણ અકબંધ છે કે બાળકીઓના મોત કેવી રીતે થયા. ડેરી પરથી લાવવામાં આવેલા ખીરુથી થયા કે પછી મામલો કઈક બીજો છે. આ મોતને લઈને રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસ તપાસમાં પરિવારના સભ્યો દ્વારા સતત એક જ વાતનું રટણ કરવામાં આવી રહ્યું છે કે, ઢોસાનું ખીરું ખાધા બાદ જ પરિવારની તબિયત લથડી હતી. આ કેસમાં સત્ય સુધી પહોંચવા માટે પોલીસે હવે મેડિકલ અને સાયન્ટિફિક તપાસ તેજ કરી છે.
સંદેશના અહેવાલ મુજબ, બાળકીઓની માતા ભાવનાબેનની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, 1 થી 3 તારીખ દરમિયાન ઘરે બનાવેલા ડોસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોને શરીરમાં તકલીફ થઈ હતી. પરિવારના તમામ સભ્યો ખીરાના ઢોસા ખાધા બાદ જ શરીરમાં તકલીફ થઈ હોવાનું ભાવનાએ રટણ કર્યું છે.
પોલીસે આ મામલે પહેલા અને પછીની તમામ હોસ્પિટલ ટ્રીટમેન્ટની ફાઇલો મંગાવી લીધી છે. આ તમામ રિપોર્ટ્સ સિવિલ હોસ્પિટલની એક્સપર્ટ પેનલને સોંપવામાં આવશે. પેનલ સમગ્ર રિપોર્ટની તપાસ કરવામાં આવશે. ડૉક્ટર દ્વારા સારવારમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ FSL, પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
જો મેડિકલ રિપોર્ટમાં પણ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ નહીં થાય, તો પોલીસ પરિવારના સભ્યોનો 'લાઈવ ડિટેક્શન ટેસ્ટ' પણ કરાવી શકે છે. હાલમાં પોલીસે ખીરાના નમૂનાઓ ઉપરાંત પરિવારે લીધેલા અન્ય ખોરાકની પણ વિગતો એકત્ર કરી છે. શંકાસ્પદ મોતના આ કિસ્સાએ સમગ્ર ચાંદખેડા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે ચાલો જાણીએ અત્યારે અમદાવાદમાં ડેરી માલિકોની શું હાલત છે. શું તેમની ગ્રાહકી વધી છે કે ઘટી છે.
આ ઘટનાને લઈને અમદાવાદના ડેરી માલિકો ટેન્શનમાં આવી ગયા છે. કારણ કે તેમનો ધંધો મંદો થઈ ગયો છે. એક ડેરીના વેપારી કિશનભાઈએ જણાવ્યું કે, ‘પહેલા ગ્રાહકી આવતી હતી એટલી આવતી નથી, ચાંદખેડાની ઘટના બાદ ઘટાડો થયો છે.’ જ્યારે અન્ય એક વેપારી હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, ‘મારે તો ગ્રાહકી વધી ગઈ છે. બીજા એક વેપારી પંકજભાઇએ જણાવ્યું હતું કે, ‘મારી ગ્રાહકી પહેલા ઘટી હતી. પછી પાછી ચાલુ થઈ ગઈ છે.’ તો ભેમાભાઈએ જણાવ્યું કે, ‘મારે તો એવીને એવી છે. પરંતુ ધ્યાનપૂર્વક ખીરું બનાવીએ છીએ અત્યારે. ખરીદવા લોકો આવે છે, પરંતુ પૂછે છે ખીરું કેવું છે? સારું છે કે કેમ?’ આ ઉપરાંત કેટલાક દુકાનદારે તો ખીરું વેચવાનું પણ બંધ કરી દીધું છે.
તો જે ડેરીમાંથી ખીરું લાવીને ડોસા બનાવાયા હતા તેના માલિક વિપુલ પટેલે જણાવ્યું કે, ‘આ ઘટનાની અસર મારા ધંધાની સાથે માનસ પર પણ પડી છે. હું માનસિક રીતે ભાંગી પડ્યો છે. આટલું જ નહીં, રોજનું સો સવા સો કિલો જેટલું ખીરાનું વેચાણ થતું હતું. પરંતુ આ ચર્ચાસ્પદ ઘટનાને કારણે હાલ તો ખીરાનું વેચાણ સાવ બંધ જ કરી દીધું છે. જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી તો વેચાણ બંધ જ કર્યું છે. આટલું જ નહીં, તમામ ડેરી પ્રોડક્ટ વેચવાનું બંધ કરી દીધું છે. માત્ર બેકરી પ્રોડક્ટનું જ વેચાણ ચાલુ રાખ્યું છે.’

