પાથરણું પાથરી રસ્તા પર રમકડા વેચતા દેવીપુજક સમાજના આશાબેનને કોંગ્રેસે અમદાવાદના શાહપુર વોર્ડમાં ટિકિટ આપી

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં અનેક નવા અને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભાજપે બહુચરાજીમાં પાથરણું પાથરીને બંગડી વેચાતી મહિલાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે અમદાવાદના શાહપુર વોર્ડમાં રવિવારી ગુજરી બજારમાં પાથરણું પાથરીને રોજીરોટી કમાતી એક સામાન્ય શ્રમજીવી મહિલાને કોંગ્રેસે ટિકિટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી સામાન્ય કાર્યકર અને એલિસબ્રિજ ગુર્જરી બજારમાં પાથરણું ચલાવી જીવન નિર્વાહ કરતી આશાબેન દંતાણીને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. સામાન્ય રીતે રાજકીય જગતમાં અનુભવી અને વર્ચસ્વ ધરાવતા નેતાઓને ટિકિટ મળતી હોય છે. ત્યારે પાથરણા પર વસ્તુ વેચીને રોજગાર કરતી એક સામાન્ય મહિલા કાર્યકરને તક આપવાનો નિર્ણય લોકોમાં વિશેષ રસ જગાવી રહ્યો છે. આશાબેનનું જીવન સામાન્ય નાગરિકની જેમ સંઘર્ષભર્યું રહ્યું છે.

આશાબહેન દંતાણી છેલ્લા 20 વર્ષથી સાબરમતી નદીના કિનારે ભરાતી પ્રસિદ્ધ ગુજરી બજારમાં જૂની-નવી વસ્તુઓ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાદગીની ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યાના બીજા જ દિવસે તેઓ કોઈ પણ જાતના દેખાડા વગર પોતાના નિયમિત કામે વળગી ગયા હતા. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પણ તેઓ બજારમાં પોતાનું પાથરણું પાથરીને વેપાર કરતા જોવા મળ્યા હતા.

congress-candidate1
gujarati.news18.com

હવે તેમને મળેલી રાજકીય તક તેમના માટે માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં પરંતુ સમાજના સામાન્ય વર્ગ માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે. આશાબેને આ મામલે કહ્યું કે, ‘પાથરણું ચલાવું છું, કોંગ્રેસે મને તક આપી તે મારા માટે મોટી વાત છે. તેમણે ચૂંટણી મેદાનમાં ઉતરીને પ્રચાર શરૂ કરવાની તૈયારી પણ બતાવી છે. તેઓ સ્થાનિક લોકોના સંપર્કમાં રહી તેમની સમસ્યાઓ સાંભળવા અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે તેવી આશા વ્યક્ત કરે છે.

આશાબેન દંતાણીએ જણાવ્યું કે, ‘મારું સપનું સાકાર થયું હોય તેવી લાગણી છે. મને અમારા દેવીપૂજક સમાજનો ખૂબ સપોર્ટ છે. અને મને આશા છે કે અમે ચોક્કસ જીતીશું અને સામાન્ય લોકોને પ્રશ્નોને ન્યાય આપીશું. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, જણાવ્યું હતું કે, ‘ચૂંટણીમાં જીતીને હું ભલે મોટી નેતા બનું, પરંતુ મારું આ કામ ક્યારેય નહીં છોડું. આ ગુજરી બજાર જ મારી જીવાદોરી છે અને આ જ મારી અસલ ઓળખ છે. તેમના આ નિશ્ચયે સ્થાનિક મતદારોમાં કુતૂહલ અને સન્માન જગાડ્યું છે.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન આશાબેન દંતાણીનું મુખ્ય ફોકસ વિસ્તારની મૂળભૂત સુવિધાઓ પર રહેશે. રસ્તા, પાણી, સફાઈ, અને નાના વેપારીઓની સમસ્યાઓ જેવા મુદ્દાઓને તેઓ જનતા વચ્ચે જઈ ઉઠાવશે.  તેનું માનવું છે કે સામાન્ય લોકોના પ્રશ્નો રાજકીય મંચ સુધી પહોંચવા જોઈએ અને તેના માટે જમીન સ્તરેથી કામ કરવું જરૂરી છે. શાહપુર વોર્ડમાં તેમના ઉમેદવારીના કારણે ચૂંટણીમાં એક નવો રંગ ઉમેરાયો છે અને લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે સામાન્ય જીવન જીવતા વ્યક્તિને રાજકીય મંચ પર કેટલી તક મળે છે. આશાબેન દંતાણીનો આ સફર માત્ર ચૂંટણી જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકની અવાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ બની શકે છે.

congress-candidate
gujarati.news18.com

ટિકિટ બાબતે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદદીન શેખે કહ્યું કે, 'આશાબેન દંતાણી શંકર ભુવનમાં રહે છે અને મારા કાર્યકર્તા ગોપાલભાઈ દંતાણીના પત્ની છે અને સ્ટ્રીટ વેન્ડર છે. પરંતુ 25 વર્ષથી વફાદારી સાથે કોંગ્રેસમાં ગોપાલભાઈ જોડાયેલા હતા ત્યારે જ્યારે આ વખતે બહુ સરસ વાતાવરણ છે અને કોંગ્રેસ દરિયાપુરની 4 સીટ, કાલુપુર-ખાડિયાની અને શાહપુરની જ્યારે જીતવાની છે, એવા સમયની અંદર મેં જે 2022માં જ્યારે હું ચૂંટણી હાર્યો પરંતુ વફાદારીના કારણે જે મારી સાથે રહ્યા એમને મેં પ્રાયોરિટી આપી છે અને એની અંદર જ મેં આશાબેન દંતાણીને ટિકિટ આપી છે.'

શાહપુર વોર્ડનું રાજકીય ગણિત જોઈએ તો અહીં અંદાજે 15000 જેટલા દેવીપૂજક સમાજના મતદારો છે, જે હાર-જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આશાબહેન તેમના પતિ ગોપાલભાઈ દંતાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને ઘરે-ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે. એક સામાન્ય કામદાર મહિલા જ્યારે કોર્પોરેશનની સીડીઓ ચઢવા તૈયાર થઈ છે, ત્યારે શાહપુરની આ બેઠક પરનો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે.

About The Author

Related Posts

Top News

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સીના LPG સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દૃશ્યો...
Gujarat 
દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'

બરેલીમાં બેઝિક શિક્ષણ વિભાગના એક નવા આદેશથી સરકારી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને...
National 
હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'
Copyright (c) Khabarchhe All Rights Reserved.