- Gujarat
- સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ, દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગ્યા
સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ, દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગ્યા
ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી છે, પરંતુ ગેરકાયદેસર દારૂ તો બેફામ વેચાય છે. પોલીસ ગેરકાયદેસર દારૂના વેંચાણને લઈને કાર્યવાહી પણ કરે છે, પરંતુ કેટલીક એવી ઘટનાઓ સામે આવતી રહે છે, જેના કારણે પોલીસ પ્રશાસન પર પ્રશ્નો પણ ઊભા થાય છે. દારૂને લઇને અવરનવાર ‘જનતા રેડ’ જેવી ઘટનાઓ બનતી રહે છે, ત્યારે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી દીધી હતી. જેના કારણે હાહાકાર મચી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કોંગ્રેસના કાર્યકર્તા અચાનક દેશી દારૂના અડ્ડા પર પહોંચી ગયા હતા. એ સમયે દારૂ પીવા આવેલા લોકોમાં હાહાકાર મચી ગયો હતો અને મોટાભાગના દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા. આ આખી રેડ દરમિયાન એક એવું દૃશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું, જે જોઈને ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હસી પડ્યા હતા. જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા, ત્યારે એક દારૂનો 'શોખીન' દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતો-પીતો નીકળી ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/AmitChavdaINC/status/2005868775908991275?s=20
કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેડ દરમિયાન દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદો છતા પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. તેમણે પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં વીડિયો શૂટિંગ શરૂ કર્યું અને દારૂના અડ્ડા પર પહોંચ્યા હતા.
ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકર્તાઓ અચાનક દારૂના અડ્ડા પ પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરતાં ‘દારૂબંધીના નામે ધતિંગ બંધ કરો’ના સૂત્રોચ્ચાર કરતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠા લોકો પોતાની બાઇક લઈને ભાગવા લાગ્યા હતા. કેટલાક તો બૂટ-ચંપલ પહેર્યા વિના જ દોડી ગયા હતા.
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ PCR પોલીસની ટીમ કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા, જ્યારે બુટેલગરની અટકાયત કરવામાં આવી હતી.

