- Gujarat
- AAPની સભા અગાઉ સુરતમાં VHPએ પોસ્ટર પર શાહી લગાવી નોંધાવ્યો વિરોધ; જાણો શું છે આખો મામલો
AAPની સભા અગાઉ સુરતમાં VHPએ પોસ્ટર પર શાહી લગાવી નોંધાવ્યો વિરોધ; જાણો શું છે આખો મામલો
દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે સાંજે આમ આદમી પાર્ટી (AAP)ની 'પરિવર્તન સભા' આયોજિત થવાની છે પરંતુ સભા અગાઉ જ મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. AAP નેતાઓના મુસ્લિમ ટોપી પહેરેલા એડિટ કરેલા પોસ્ટરો સાર્વજનિક સ્થળો પર લગાવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાનમાં આવ્યું છે.
VHP કાર્યકર્તાઓએ આ પોસ્ટરો પર કાળી શાહી ફેંકી, તે ફાડી નાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. VHP દ્વારા આ નેતાઓને 'હિન્દુવિરોધી' ગણાવવામાં આવ્યા હતા અને ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા AAPના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા.
https://twitter.com/Jamawat3/status/2009136959168631152?s=20
VHPના કાર્યકર્તાએ કહ્યું, સાંજે 8:00 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં 'મુઘલો'ની એક આમસભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાના પગ પેસારો કરતા હતા, એવી જ રીતે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે આ આવ્યા છે, કાલે તેમની પાછળ વિધર્મીઓ આવશે, પછી અહીં લવ-જેહાદના કિસ્સાઓ ચાલુ થઈ જશે. ચેઈન-સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ વધશે.
શું છે સમગ્ર પોસ્ટર વિવાદ?
ગોડાદરા વિસ્તારમાં ઠેર-ઠેર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટાવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં વિવાદનું મુખ્ય કારણ 2 બાબતો હતી. તમામ નેતાઓના માથા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય તેવા ફોટા એડિટ કરીને મૂકવામાં આવ્યા હતા.
પોસ્ટર પર નિમંત્રક તરીકે ‘મીઠી ખાડી મુસ્લિમ સમાજ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સ્થળ હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી અને તેમાં મુસ્લિમ સમાજ તરફથી આમંત્રણ પાઠવતા આવા પોસ્ટરો જોઈને સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પોસ્ટરો સામે આવતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. VHP કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ હિન્દુવિરોધી માનસિકતા ધરાવે છે. કાર્યકરોએ ‘હિન્દુવિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ગોપાલ ઈટાલિયાનાં પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા અને અન્ય નેતાઓના ફોટા પર શાહી લગાવી રોષ ઠાલવ્યો હતો.
સભા અગાઉ થયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે ગોડાદરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે. એક તરફ રાત્રે AAP પોતાની સભાને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે પડકાર બની રહ્યો છે.

VHPના કાર્યકર્તા જય શર્માએ જણાવ્યું હતું કે ગોડાદરા વિસ્તારમાં 'મુઘલો'ની એક આમસભા છે. આ AAPના ગોપાલ ઇટાલિયા, જે સનાતન ધર્મ વિરોધી માણસ છે, જે હંમેશાં ધર્મનો દુષ્પ્રચાર કરતો રહ્યો છે. ક્યારેક આપણી ભગવદ્ ગીતાનું અપમાન કરે છે, તો ક્યારેક આપણા કથાવાચકોનું અપમાન કરે છે. આવી વ્યક્તિ કાલે ગોડાદરામાં આવીને પોતાની પાર્ટીને લઈને અહીં રાજનીતિ ચમકાવવા માટે આમસભા કરવાનાં બેનરો અમે અત્યારે જોયાં. તમે જોઈ શકો છો કે કેવી રીતે ટોપી પહેરીને આ લોકોએ બેનર લગાવ્યાં છે. આનો આખા ગોડાદરા વિસ્તારના સનાતની ભાઈઓ વિરોધ કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર છે. અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ આમસભા બંધ કરાવે અને આ વિધર્મીઓને અહીંથી ધક્કો મારીને બહાર કાઢે. અમારા હિન્દુ બહુમતી વિસ્તારમાં તેમની ‘નો એન્ટ્રી’ છે.
AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આ મ્મલે જણાવ્યું હતું કે ભાજપના નેતા સાથે ઘરોબો ધરાવનારા લોકોએ સભા અગાઉ તોફાનો થાય, એવું વાતાવરણ કરવાનો પ્રયાસ કર્યો એની સામે આજે મધરાતે ગોડાદરા પોલીસ સ્ટેશનના PIને રૂબરૂ મળી આ તમામ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે.
આજે રાત્રે 8:00 વાગ્યે યોજાનારી આ સભાને લઈને ગોડાદરા વિસ્તારમાં હાલ ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી સભા યોજવા માટે મક્કમ છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોએ આ સભાના વિરોધમાં આક્રમક વલણ અપનાવ્યું છે. સભા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

