- Gujarat
- નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર: સરકારની આબરૂની ધૂળધાણી
નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર: સરકારની આબરૂની ધૂળધાણી
આપણું ગુજરાત જે વિકાસના નામે દેશભરમાં ગૌરવ પૂર્વક ચર્ચામાં રહે છે તે આજે ફરી એકવાર ભ્રષ્ટાચારના આરોપોના કેન્દ્રમાં છે. મનરેગા કૌભાંડ બાદ હવે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદો ગુજરાતના છ જિલ્લાઓમાં નોંધાઈ છે જે રાજ્યની વહીવટી વ્યવસ્થા અને નૈતિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આવા કૌભાંડો ન માત્ર સરકારની આબરૂ ધૂળધાણી કરે છે પરંતુ સામાન્ય નાગરિકોના વિશ્વાસને પણ ઓછો કરે છે.

નલ સે જલ યોજના એક એવી મહત્વાકાંક્ષી યોજના છે જેનો હેતુ દેશના દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચાડવાનો છે. ગુજરાતના ગામડાઓમાં પાણીની સમસ્યા હલ કરવા માટે આ યોજનાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. પરંતુ આ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો એ વાત પુરવાર કરે છે કે જે નાગરિકોના હિત માટે યોજના બનાવવામાં આવી તેમની સાથે જ છેતરપિંડી થઈ રહી છે. આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સરકારી ભંડોળનો દુરુપયોગ, ખોટા રિપોર્ટ્ અને નબળી ગુણવત્તાના કામોનો સમાવેશ થાય છે જે યોજનાના મૂળ હેતુને જ નિષ્ફળ બનાવે છે.
ભ્રષ્ટાચાર એ આપણા સમાજનો એવો રોગ છે જે વિકાસની ગતિને અટકાવે છે અને ગરીબોના હક્કો છીનવે છે. નલ સે જલ જેવી યોજનાઓ ગરીબ અને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે જીવનદાયી સાબિત થઈ શકે પરંતુ જ્યારે આવી યોજનાઓ ભ્રષ્ટાચારનો ભોગ બને છે ત્યારે સૌથી વધુ નુકસાન સામાન્ય માનવીનું થાય છે. સરકારે આ ફરિયાદોની તાત્કાલિક તપાસ કરી, દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો આવા કૌભાંડો લોકોનો વિશ્વાસ સંપૂર્ણપણે તોડી નાખશે.

આવા ભ્રષ્ટાચારની નિંદા કરવી એ દરેક નાગરિકની ફરજ છે. સરકારે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવા જોઈએ. ભ્રષ્ટાચારના આ ધબ્બાને ધોઈ નાખવા માટે ન્યાયી તપાસ અને કડક શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા કૃત્યો ન થાય અને ગુજરાતની આબરૂ જળવાયેલી રહે.

