- Gujarat
- બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા
સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની ફેક્ટરી તો ઝડપાઇ ચૂકી છે. હવે સુરતના પુણામાં લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ખેલવાડ કરવાનો મામલો સામે આવ્યો છે. સુરતના પુણાથી નકલી બ્યૂટી પ્રોડક્ટનું કારખાનું ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ, પોલીસને પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યૂટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં 'ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ' નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવી રહી હતી. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની આશંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, માત્ર 21 વર્ષીય આરોપી અર્ષિત લાલજીભાઈ દેસાઈ (રહે. કામરેજ) આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટિકર લગાવી, હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરતો હતો. આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેંચતો હતો.
ઓરિજિનલ ક્રિમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે ગ્રાહકોને લલચાવવા આરોપી માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રિમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે. જેમાં નકલી ક્રિમની 801 નંગ ડબ્બીઓ (50 ml), કંપનીના લોગોવાળા નકલી સ્ટિકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળીને કુલ 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની ઓળખ અર્ષિત દેસાઈ (ઉંમર 21 વર્ષ) તરીકે થઇ છે, પુણા પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા દોઢ મહિનાથી આ વેપલો ચલાવી રહ્યો હતો.
નિષ્ણાતોના મતે, આ ક્રીમમાં વપરાયેલું મટિરિયલ હલકી ગુણવત્તાનું હોવાથી ત્વચા પર ખીલ, કાળા ડાઘ અથવા ગંભીર ઈન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
આ અગાઉ પણ સુરતમાં નકલી સામાન બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઇ ચૂકી છે. 14 ઓક્ટોબરના રોજ ઝોન-1 LCB અને પુણા પોલીસે પુણા વિસ્તારમાં ગોડાઉનમાં દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લિકેટ ચીજ-વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો 4 ઓક્ટોબરના રોજ અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એનાં ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ SOGએ 4 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

