- Gujarat
- અમદાવાદના વધુ એક બ્રિજ પર તિરાડ અને ખાડા નજરે પડ્યા, વાહનચાલકોના જીવ જોખમમાં
અમદાવાદના વધુ એક બ્રિજ પર તિરાડ અને ખાડા નજરે પડ્યા, વાહનચાલકોના જીવ જોખમમાં
રાજ્યમાં રોજબરોજ બ્રિજમાં ખામીઓ સામે આવી રહી છે ક્યાંક બ્રિજમાં તિરાડ પડે છે તો ક્યાંક ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શનિવારે ઋષિ દધીચિ બ્રિજ પર પોપડા ઉખડી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તો હવે અમદાવાદના સૌથી VVIP અને અમદાવાદ - ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે. બ્રિજની વચ્ચે જ પડેલી આ તિરાડ અને ખાડા માત્ર ઉપરના હિસ્સા પૂરતા જ સીમિત છે કે અંદર પણ નુકસાન થયું છે? તે તપાસનો વિષય છે.
ઇન્દિરા બ્રિજ પરથી મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ અને ધારાસભ્યો અવરજવર કરે છે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધીનગર જવા માટેના બ્રિજ ઉપર તિરાડ અને ખાડા પડતા તંત્રની સામે ખૂબ મોટા સવાલ ઉભા થયા છે. મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજ ઉપર તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા છતા પણ તંત્ર દ્વારા આ મામલે ધ્યાન આપી રીપેરિંગ કરવામાં આવતું નથી.
અમદાવાદના આ બ્રિજ ઉપરથી દરરોજ એક લાખ જેટલા વાહન ચાલકો પસાર થાય છે ગાંધીનગર અને અમદાવાદ અવર-જવર માટે આ બ્રિજનો ઉપયોગ વધારે થતો હોય છે ત્યારે બ્રિજ ઉપર ખાડા પડવાની ઘટનાને લઈને રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
ઈન્દિરા બ્રિજ ઉપર અગાઉ પણ આ પ્રમાણે ખાડા પડ્યા હતા અને તેને રીપેરિંગ કરવાની જરૂરિયાત હોય છે, પરંતુ રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ આ બ્રિજ ઉપર વધારે ધ્યાન આપતો નથી. ખાસ કરીને આ બ્રિજ VVIP બ્રિજ કહેવામાં આવે છે જ્યારે વડાપ્રધાન પણ ગુજરાત આવે છે ત્યારે ગાંધીનગર જવા માટે ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ બ્રિજ ઉપર આવી ક્ષતિ વિભાગની ખૂબ મોટી બેદરકારી કહી શકાય છે.
સાબરમતી નદી પરના 3-3 બ્રિજમાં બેદરકારી સામે આવ્યા બાદ પણ અન્ય બ્રિજોની વિસ્તૃત તપાસ કરવાની તકેદારી લેવામાં આવી નથી. પરિણામે સાબરમતી નદીના જુદા-જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે.

