- Gujarat
- સુરતમાં નશામાં ધૂત ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારોને અડફેટે લેતા લોકોએ રસ્તા પર જ મેથીપાક ચખાવ્યો
સુરતમાં નશામાં ધૂત ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારોને અડફેટે લેતા લોકોએ રસ્તા પર જ મેથીપાક ચખાવ્યો
સુરતના મોટા વરાછામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે નશામાં ગુરુવારે રાતે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત હિરેન પટેલે નશાની હાલતમાં કાર ચલાવી 2 બાઇકસવારને અડફેટે લીધા હતા. રોષે ભરાયેલા લોકોએ ઇન્ફ્લુએન્સરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બે બાઇકચાલકો ઇજાગ્રસ્ત થતાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મોટા વરાછામાં આવેલા 'દુઃખિયાના દરબાર' નજીક હિરેન પટેલ પોતાની કાર (GJ-11-CQ-6007) લઇને પૂરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ એટલી બધી હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને રસ્તા પર જઇ રહેલા બે બાઇકસવારને અડફેટે લઇ લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસાઇને દૂર સુધી ઢસડાઇ ગઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાઇકસવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
https://twitter.com/NewzRoomGujarat/status/2014587872683425986?s=20
અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે કારચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું જણાયું હતું. માત્ર એટલું જ નહીં, કારની તપાસ કરતા અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવાતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
બીજી તરફ, અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રોષે ભરાયેલા લોકોએ ઇન્ફ્લૂએન્સરને પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી છે. હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સુરત પોલીસે દારૂ પીવા અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રાત્રે નશામાં ધુત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનને અડફેટે લીધા હતા. કિયા કારના ચાલક નીતિન શાહે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચરણઘાણ વળી ગયા હતા.

