- Gujarat
- સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો છે. આ રેકેટનો મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ છે, જેને પોલીસે રંગેહાથે ઝડપી લીધો છે.
આરોપી પ્રતીક શાહ – એક રીઢો ગુનેગાર: પ્રતીક શાહ ઉર્ફે અભિજિત નિલેશ શાહ સુરતનો રહેવાસી છે. તે પહેલેથી જ નકલી વિઝા કેસોમાં પકડાયો હતો અને તેના પર 12 ગુના નોંધાયેલા છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા ગોરવા પોલીસમાં 1 અને IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે. લગભગ એક વર્ષ પહેલાં દિલ્હી પોલીસે આ જ વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને પ્રતીક શાહને પકડી પાડ્યો હતો. તે સમયે મોટી સંખ્યામાં નકલી વિઝા સ્ટિકર્સ, રબર સ્ટેમ્પ, ડાઇઝ અને મશીનરી જપ્ત થઈ હતી. છ મહિના પહેલાં જ તે જામીન પર છૂટ્યો હતો, પરંતુ સુધરવા બદલે તેણે ફરીથી પોતાના ઘરે નકલી વિઝાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી.
કેવી રીતે બનાવતો હતો નકલી વિઝા?: પ્રતીક પાસે અત્યાધુનિક મશીનરી અને કોરલ ડ્રો સોફ્ટવેર હતું, જેના આધારે તે વિઝા સ્ટિકરોની હાઈ-ક્વોલિટી કૉપીઓ બનાવતો. એક સ્ટિકર બનાવવામાં તેને 7 દિવસ જેટલો સમય લાગતો હતો, કેમ કે તે બારીકાઈથી કામ કરતો હતો જેથી વિઝા સાચો લાગે. તે એક સ્ટિકર બનાવવા માટે 15,000 રૂપિયા લેતો હતો. બનાવેલા નકલી સ્ટિકરો તે દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને કુરિયર મારફતે મોકલતો હતો.
10 વર્ષમાં 700 નકલી સ્ટિકર: પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા 10 વર્ષમાં પ્રતીકે લગભગ 700 નકલી વિઝા સ્ટિકરો બનાવ્યા હતા. આમાંથી ઘણા લોકોને આ નકલી દસ્તાવેજના આધારે વિદેશ મોકલવામાં આવ્યા છે. આ કારણે પોલીસ હવે તેમની ઓળખ કરી રહી છે.
કયા દેશોના નકલી વિઝા મળ્યા?
યુકે (UK)
કેનેડા (Canada)
મેસેડોનિયા
સર્બિયા
ચેકોસ્લોવાકિયા
જર્મની
યુરોપના અન્ય દેશો
પોલીસને કુલ 5 અલગ-અલગ દેશોના વિઝા સ્ટિકર્સ મળ્યાં છે. જેમ કે – બાબર ડેવિડ અને સિંહ સુમિતના ચેક રિપબ્લિકના વિઝા, નરેશ પટેલનો યુકે વિઝા, ઘાગ અનિલનો જર્મનીનો વિઝા, સિંધુ શિવાનીનો કેનેડા વિઝા, ઉપરાંત યુકેના પટેલ ચિરાગકુમાર, વિજય બોખરિયા, વૈદેહી પટેલ અને નરેશ પટેલના સ્ટિકરો.
જપ્ત સામગ્રી: લેપટોપ (જેમાં વિઝા સ્ટિકરોની એડિટિંગ ફાઇલો મળી આવી), અનેક દેશોના વિઝા સ્ટિકર્સ, નકલી વિઝા બનાવવાના સાધનો, કુલ અંદાજે રૂ. 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
એજન્ટોનું નેટવર્ક: પ્રતીક શાહ પોતે ગ્રાહકો શોધતો નહોતો. તેનું કામ ફક્ત નકલી વિઝા બનાવવાનું હતું. ગ્રાહકો લાવવાનું કામ એજન્ટો કરતા હતા. તેની સાથે જોડાયેલા એજન્ટોમાં કેતન દીપક સરવૈયા (આણંદ), હર્ષ (બેંગકોક), પરમજિતસિંહ (દિલ્હી), અફલાક (દિલ્હી), સચિન શાહ વગેરેના નામ સામે આવ્યા છે. આ એજન્ટો સોશિયલ મીડિયા પર "Guaranteed Canadian Visa" જેવી જાહેરાતો કરીને યુવાઓને ફસાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલતા અને પ્રતીકને ફક્ત 15,000 રૂપિયા પ્રતિ સ્ટિકર આપતા. બાકીની રકમ પોતે ખિસ્સામાં નાખતા.

કેસનું રહસ્ય કેવી રીતે ખુલ્યું?: લગભગ એક વર્ષ પહેલાં હરિયાણાના 21 વર્ષીય કુલદીપ નામના યુવકે નકલી વિઝા પર કેનેડા જવાનો પ્રયાસ કર્યો હતો. IGI એરપોર્ટ પોલીસને શંકા થતા તેને પકડી પાડવામાં આવ્યો. પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તેણે એજન્ટ સંદીપકુમારને 18 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ તપાસ દરમિયાન આખા નેટવર્કનો ભાંડાફોડ થયો હતો અને તેમાં પ્રતીક શાહનું નામ સામે આવ્યું હતું.
પ્રતીક શાહ વિશેની માહિતી: પ્રતીકે NG પટેલ પોલીટેકનિક કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે. તેના ટેક્નિકલ જ્ઞાનનો ઉપયોગ તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરતો હતો. તેણે પોતાના ઘરને જ ફેક્ટરીમાં ફેરવી દીધું હતું, જ્યાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે નકલી વિઝા બનાવતો. પ્રતીક ખૂબ સાવચેત રહેતો હતો – ભાડાના મકાનમાં પત્ની અને બાળકો સાથે રહેતો અને અંદરથી જ ફેક્ટરી ચલાવતો.
પોલીસે કરેલી કાર્યવાહી: PCB PI આર.એસ. સુવેરા અને SOG PI એ.પી. ચૌધરીને ચોક્કસ બાતમી મળતા રાંદેર વિસ્તારમાં રેડ પાડવામાં આવી. સમોર રેસિડેન્સી, ફ્લેટ નંબર 202, શ્રીજીનગરી સોસાયટી, ઝઘડિયા ચોકડી ખાતે દરોડો પાડતાં જ પ્રતીક શાહ રંગેહાથે ઝડપાયો. પોલીસે 14 નકલી વિઝા સ્ટિકર્સ, અનેક દેશોના રબર સ્ટેમ્પ, 16 ડાઇઝ, 80 ખાલી PR કાર્ડ્સ અને હાઈ-ટેક મશીનરી જપ્ત કરી.
કહેવાય છે કે "કુતરાની પૂછડી કદી સીધી ન થાય," એ જ રીતે પ્રતીક શાહ પણ એક રીઢો ગુનેગાર છે. જામીન મળ્યા બાદ પણ સુધરવા બદલે વધુ સુયોજિત રીતે ફેક વિઝા ફેક્ટરી શરૂ કરી. ફરીથી નેટવર્ક બનાવ્યું અને યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપીને છેતરવા લાગ્યો.
હાલની સ્થિતિ: પોલીસે પ્રતીક શાહને પકડીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તેના સાથે જોડાયેલા છ એજન્ટોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે અનુમાન લગાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં સેકડો લોકો આ નકલી વિઝાના આધારે વિદેશ ગયા હશે. હવે પોલીસ તે તમામ લોકોની ઓળખ અને તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરશે.
આ કેસમાંથી સ્પષ્ટ થાય છે કે સુરતમાં ગેરકાયદેસર રીતે નકલી વિઝા બનાવવાની ઉદ્યોગ સ્તરે ફેક્ટરી ચાલતી હતી. પ્રતીક શાહ નામનો એન્જિનિયરિંગ શિક્ષિત યુવાન ટેકનોલોજીનો દુરુપયોગ કરીને યુવાઓને વિદેશ મોકલવાની લાલચમાં છેતરતો રહ્યો. તે પહેલેથી જ અનેક વાર પકડાયો હતો, છતાં જામીન મળ્યા બાદ ફરી તે જ ગુનામાં હાથ ધર્યો. તેની સાથે એજન્ટોના નેટવર્કે સોશિયલ મીડિયા મારફતે "Guaranteed Visa"ની લાલચ આપી યુવાઓ પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા.
પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે, પરંતુ હજુ સુધી વિદેશ ગયેલા લોકો અને વોન્ટેડ એજન્ટોની શોધ પડકારરૂપ બની રહેશે.

