- Gujarat
- TET પરીક્ષા આપવાનો કેમ ગુજરાતના શિક્ષકો ઈનકાર કરી રહ્યા છે? જાણો શું છે તેમની માંગણીઓ
TET પરીક્ષા આપવાનો કેમ ગુજરાતના શિક્ષકો ઈનકાર કરી રહ્યા છે? જાણો શું છે તેમની માંગણીઓ
ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ હવે ગુજરાતમાં શિક્ષકોએ પણ પોતાની માંગણીઓ સંતોષવા માટે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ શૈક્ષિક સંગઠનોના નિર્ણય અનુસાર, 17 જૂનથી 20 જૂન સુધી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ કલેક્ટર કચેરીઓ ખાતે એકઠા થશે. શિક્ષકો ત્યાં 3 કલાક સુધી ધરણાં પર બેસીને પોતાનો રોષ વ્યક્ત કરશે અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્ત્વનો ચૂકાદો આપતા નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા પ્રમોશન મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે નિવૃત્તિના માત્ર 5 વર્ષ કે તેનાથી ઓછો સમ બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપી હતી. ત્યારે રાજ્યના શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર અને ધરણાની જાહેરાત કરવામાં આવી છે. 2010 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોને આમાંથી બાકાત રાખવાની માગ કરવામાં આવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુપ્રિમ કોર્ટના નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ન ગણી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 33 જિલ્લામાં 3 દિવસ સુધી વિવિધ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે. કારણ કે TET પાસ કરવી ફરજિયાત કરવામાં આવી હોવાથી એક લાખ જેટલા શિક્ષકો જે તે સમયે સરકારના નિયમ મુજબ નોકરીમાં લાગ્યા છે તેમને TET પાસ કરવી પડી શકે છે.
શિક્ષક સંઘ આજથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કરી આવેદનપત્ર આપશે. 2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા TET પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું હોવાથી વિરોધ કરવામાં આવશે. અનુભવી શિક્ષકોએ TETના આપવી પડે એ માટે આંદોલન કરવામાં આવશે. 2010 પહેલા TET ન હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી વિરોધ પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુંભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, ‘સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં 2010 પહેલાના જે શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે તેને લઈને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે. 33 જિલ્લામાં શિક્ષકો આગામી 17થી 20 તારીખ સુધી કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારી ભરતી 1997- 98થી રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ કરવામાં આવી છે. તે સમયે કોઈ TET પરીક્ષા નહોતી. 2010 પછી તે અમલમાં આવી છે. આ 12 વર્ષમાં TET પાસ કરેલા કોઈપણ કર્મચારી નથી. 25-27 વર્ષે સરકાર શિક્ષકો પાસે TET પરીક્ષા પાસ કરાવવા માંગે છે. અમે જે તે સમયે નોકરીમાં લાગ્યા હતા, ત્યારે TET પરીક્ષા નિયમમાં હતી જ નહીં. ત્યારબાદ 2010 પછી TET પરીક્ષા લેવામાં આવે છે.’
ખોડુભાઈ પઢિયારે વધુમાં જણાવ્યું હતું કે, ‘બીજી માંગણીઓને લઈને પણ વિરોધ અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 1 એપ્રિલ, 2005 પછીના શિક્ષકોને તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. તેની સાથે-સાથે 6-8ના શિક્ષકોને જૂદો ગ્રેડ પે મળે. આ ઉપરાંત વર્તમાન સમયમાં જે રાજ્ય સરકાર દ્વારા S TAT આચાર્યોને વધારાનો શાળાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેની પણ માંગ કરવામાં આવશે.’
શિક્ષકોની માંગણીઓ શું છે?
TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ
2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ અનુભવી શિક્ષકોને આ ફરજિયાત TET પરીક્ષાના નિયમમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે.
જૂની પેન્શન યોજના (OPS) લાગૂ કરવી
1 એપ્રિલ 2005 પછી નોકરીમાં લાગેલા શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
અલગ ગ્રેડ પે
ધોરણ 6-8ના શિક્ષકોની કામગીરીને ધ્યાનમાં રાખીને તેને અલગથી (વધુ) ગ્રેડ પે આપવામાં આવે.
વધારાના શાળાના ચાર્જનો વિરોધ
રાજ્ય સરકારે હાલમાં HTAT આચાર્યોને જે અન્ય શાળાઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, તે પાછો ખેંચવામાં આવે.

