- Gujarat
- આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી
એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ બીજી બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અનેકવાર બને છે.
ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતિય સગાઈને લઈને 5 પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરાયા છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલાં લેવાશે. સમાજના કોઈપણ પ્રસંગમાં તેમને નહીં આવકારવાનો નિર્ણય લેવાયો છે. આમ આજના યુવાનોના આઘુનિક વિચારો સામે સામાજિક-જ્ઞાતિગત રિવાજોનો વિરોધાભાસ જોવા મળ્યો છે.
આમ તો લગ્ન એ કોઈ પણ વ્યક્તિની આંતરિક બાબત હોય છે. પરંતુ સમાજ પોતાના ધારા-ધોરણો અને રીતરિવાજ મુજબ ચાલે તેમાં કાંઈ જ ખોટું નથી. વડીલો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નિતિ નિયમો અને સંસ્કારની વિરાસતને સાચવી રાખી તે યોગ્ય જ છે. ભણેલા યુવક યુવતીને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો પણ હક છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાણીતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજમાંથી ન હોવાથી અને તે આંતરજ્ઞાતિય સગાઈ છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. તો આ મામલે કિંજલ દવેની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
પોતાના પરિવારના સામાજિક બહિષ્કારની જાહેરાત બાદ કિંજલ દવેએ મૌન તોડતા પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કિંજલ દવેએ બહિષ્કાર કરનારાઓને ‘અસામાજિક તત્વો’ ગણાવ્યા છે. જેઓ દીકરીઓની પ્રગતિ જોઈ શકતા નથી.
કિંજલ દવેએ જણાવ્યું કે, ‘હું મૌન હતી, પરંતુ હવે વાત મારા પરિવાર અને પિતા પર છે, મારાથી હવે સહન થઈ રહ્યું નથી. એટલે મારે બોલવું પડશે. તેણે કહ્યું કે, બ્રાહ્મણની કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના રુલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે.
તેઓ અહીંયા સુધી બ્રહ્મ સમાજના લોકો અને તમામ લોકોના સપોર્ટથી પહોંચ્યા છે, અને જેમને શુભેચ્છાઓ આપી છે તેમનો આભાર માન્યો. ગાયિકાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અમુક અસામાજિક તત્વો દીકરીઓ માટે નિયમો નક્કી કરે છે અને આ તો દીકરીઓની પાંખ કાપવાની વાત છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, દીકરીઓ અત્યારે તેજસ પ્લેન ઉડાવી રહી છે અને ઓપરેશન સિંદૂરમાં પણ બે દીકરીઓ હતી, ત્યારે અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીઓને પોતાનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો હક નથી? તેનો પરિવાર અને પાર્ટનર ભક્તિમય લોકો છે અને તેને આદર અને સત્કારથી સ્વીકારવામાં આવી છે. અંતે કિંજલ દવેએ શિક્ષિત અને સમજુ લોકોને વિનંતી કરી છે કે આ અસામાજિક તત્વોને સમાજમાંથી દૂર કરે, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે.

