- Gujarat
- ગુજરાતમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે! જાહેર રસ્તા પર ધૂણ્યો ભૂવો; આત્મા લેવા..
ગુજરાતમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે! જાહેર રસ્તા પર ધૂણ્યો ભૂવો; આત્મા લેવા..
ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સા અવરનવાર સામે આવતા રહે છે. આજે ટેક્નોલોજીનો જમાનો છે છતા ગુજરાત સહિત દેશભરમાં અંધશ્રદ્ધાના કિસ્સા આમે આવતા રહે છે. અંધશ્રદ્ધાને લઈને એવા એવા કિસ્સા સામે આવે છે જે આપણને ન માત્ર ચોંકાવે છે, પરંતુ ગુસ્સો પણ આપવી દે છે. કેટલીક વખત તો માતા-પિતા જ અંધશ્રદ્ધામાં આવીને પોતાના બાળકોને ભોગ ચઢાવી દે છે. તો ક્યારેક પરિવારજનો પોતાની સારવાર ચાલી રહી હોય એ હોસ્પિટલમાં ભૂવાને લઈને પહોંચી જાય છે. આ વખતે પણ કઈક આવો જ મામલો આવ્યો છે. પરિવારજનોએ આ વખતે મૃતકની આત્માને લેવા માટે ભુવાને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ કિસ્સો દાહોદનો છે. દાહોદની હોસ્પિટલમાં મધ્ય પ્રદેશના એક યુવકનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. ત્યારબાદ યુવકના પરિવારજનોને એવો વહેમ ગ્યો કે, તેનો આત્મા હોસ્પિટલમાં ભટકી રહ્યો છે અને ઘરે આવવા માટે તડપી રહ્યો છે. ત્યારબાદ પરિવારજનો તાંત્રિકને લઈને હોસ્પિટલ પહોંચ્યા અને છેવટે આત્માને ઘરે લાવવા માટે આદિવાસી પરંપરા મુજબ ‘ગાતલા વિધિ’ કરવામાં આવી. પરિવારના સભ્યો ભૂવાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની બહાર ધૂણતા-ધૂણતા, તંત્ર મંત્રના જાપ કરતા દેખાયા.

આખી વિધિ બાદ આત્માનો ‘ગૃહપ્રવેશ’ કરાવવામાં આવ્યો હતો. આ મૃતકના આત્માને પૂજા સાથે ઘર લઈ જવાને ‘ગાતલા વિધિ’ માનવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે. દાહોદની હોસ્પિટલમાં આ વિધિ દરમિયાન સામાન્ય લોકો સહિત તબીબો પણ ચોંકી ગયા હતા. ગેરમાન્યતાની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે વિધિના ભાગરૂપે હોસ્પિટલ બહાર જોરદાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.
થોડા સમય બાદ ભૂવાએ ધૂણતા ધૂણતા જ એક સફેદ કપડામાં આત્માને બાંધી લીધી હોવાનો ડોળ કર્યો હતો અને આ કપડું લઈને પરિવારને ચાલવાનો ઇશારો કર્યો હતો. ત્યારબાદ પરિવારજનો આ ધૂણતા ભૂવાને લઈને 500 મીટર દૂર ઊભા રાખેલા વાહનમાં બેસીને 'આત્મા'ને ઘરે લઈ જવા માટે પોતાના ઘરે જવા રવાના થયા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

મૃતકના પુત્રએ કહ્યું કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ મારા પિતાનું અહીં મૃત્યુ થયું હતું. અમે ભૂવાને બતાવ્યું ત્યારે જાણ થઈ કે તેમની આત્મા દવાખાનામાં જ છે. અમે વિધિ કરાવી પરંતુ તેમની આત્મા ઘરે આવતી નહોતી. એટલે અમે બધા પરિવારના લોકો ભેગા મળીને તેમની આત્માને પરત લેવા માટે અહીં આવ્યા છીએ. હવે અમે આત્માને ઘરે લઈ જઈને અમારા રિવાજ મુજબ પૂજા અને સેવા ચાકરી કરીશું
આ અગાઉ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર વેળા મૃત્યુ થયેલા યુવકની આત્મા લેવા માટે 13 જુન 2025ના રોજ પણ હોસ્પિટલના ઝાંપે ભૂવા દ્વારા વિધિ કરવાનો બનાવ બન્યો હતો. અહીં તો ભૂવાના આદેશ મુજબ આત્મા દ્વારા કેરી અને ગુટકાની પડીકી જેવી ચીજ વસ્તુઓ પણ માગતા તેને અર્પણ કરવામાં આવી હતી. તે પરિવાર પણ મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારનો જ હતો. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, વિજ્ઞાનના યુગમાં આવી અંધશ્રદ્ધા અસ્વીકાર્ય છે. તેમણે તાંત્રિક તથા વિધિ કરનાર પરિવાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

