- Gujarat
- અમદાવાદના યુવક સાથે એક યુવતીએ 48 લાખનું કરી નાખ્યું
અમદાવાદના યુવક સાથે એક યુવતીએ 48 લાખનું કરી નાખ્યું
અમદાવાદ શહેરમાં રહેતા એક 25 વર્ષીય યુવક સાથે રોકાણના નામે 48.81 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ફાર્મા કંપનીમાં એમ.આર. તરીકે કાર્યરત યુવકે ઇન્સ્ટાગ્રામ પર દેખાયેલી રોકાણ સંબંધિત જાહેરાત પર ક્લિક કરતા ઠગાઈની જાળમાં ફસાઈ ગયો હતો.

જાહેરાત પર ક્લિક કર્યા બાદ યુવકને એક લિંક મારફતે રોકાણ માટે રજીસ્ટ્રેશન કરાવાયું અને બાદમાં એક યુવતીએ પોતે માર્કેટિંગ વિભાગમાં હોવાનો પરિચય આપીને સંપર્ક કર્યો. તેની વાતચીત પર વિશ્વાસ આવ્યા બાદ યુવકને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો, જ્યાં રોજબરોજ રોકાણની ટીપ્સ અને વધુ નફાની લાલચ આપવામાં આવતી હતી.
શરૂઆતમાં નાની રકમના રોકાણ પર નફો મળતા યુવકનો વિશ્વાસ વધ્યો અને તેણે મોટી રકમનું રોકાણ શરૂ કર્યું. ઠગોએ જુદા જુદા બેંક એકાઉન્ટની વિગતો આપીને ટુકડે ટુકડે 296 જેટલા ટ્રાન્ઝેક્શન દ્વારા યુવક પાસેથી કુલ રૂ. 67.93 લાખ મેળવી લીધા.
આમાંથી માત્ર રૂ. 19.11 લાખ જ પરત મળ્યા બાદ બાકી રહેલા રૂ. 48.81 લાખ અને તેનો નફો ન મળતા યુવકે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રારંભિક તપાસ મુજબ ઠગોએ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રોકાણના નામે યુવકને લાલચ આપીને મોટી રકમ હડપી લીધી હોવાનું જણાઈ રહ્યું છે.

