- Gujarat
- સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર, 1000 વિદ્યાર્થીઓ રહી શકશે
સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર, 1000 વિદ્યાર્થીઓ રહી શકશે
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ 24-05-2026 રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે 1000 વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. 425 બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનની સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત 51 ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં 500 દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા 200 કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.
તારીખ 24-05-2026 રવિવારે સાંજે 5 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી જયંતી એકલેરા વાળા તથા અમદાવાદથી રવજી વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે.

જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિઓ ખાસ ઉપસ્થિત રહેશે.
સમાજના અગ્રણીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.
2021માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.
શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓ
1. 1000 વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. 40,000 છે.
2. 100 વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
3. 50 હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
4. વિશાળ વાંચનાલય (સવારે 6 થી રાત્રીના 1 સુધી)
5. ડીઝીટલ લાઈબ્રેરી
6. 425 બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
7. 300 બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
8. કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
9. સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર
10. 31 ફૂટ ઉંચી પંચધાતુની ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા,
51 ફૂટની ઊચાઇએ રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
11. વિનામૂલ્યે પુસ્તક લઇ શકે તેવુ ખુલ્લુ પુસ્તકાલય.
12. વિદ્યાર્થીઓ માટે જીમ અને યોગા સેન્ટર, પ્રાર્થનાહોલ
13. AI રીસર્ચ લેબ
14. 70 બેઠકની ક્ષમતાવાળુ કોન્ફરન્સરૂમ.
15. 35 બેઠકની ક્ષમતાવાળો મીટીંગ હોલ
16. હોસ્ટેલમાં દરેક માળે એક્ટીવીટીઝ રૂમ.
ટૂંક સમયમાં શરૂ થશે.:
17. ફેઝ (I) માં - પાટીદાર ગેલેરી તૈયાર થશે.
18. ફેઝ (II) માં – કેન્ટીન વ્યવસ્થા થશે

